ભુજઃ કંડલા ખાતે સામે આવેલા કરોડોના ખજૂરકાંડની તપાસ હજુ ચાલી રહી છે, ત્યારે મુન્દ્રા પોર્ટ પરથી ડ્યુટી ચોરીનું વધુ એક મોટું પ્રકરણ સામે આવ્યું છે. ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા શંકાના આધારે અટકાવવામાં આવેલા 111 કન્ટેનરોની તપાસ દરમિયાન 8 કન્ટેનરમાં કથિત ડ્યુટી ચોરીની સંડોવણી મળી આવતા તેને સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
પ્રાથમિક તપાસમાં પાકિસ્તાનથી આવતા ખજૂરના જથ્થાને ત્રીજા દેશમાં મોકલી ત્યાંથી બોગસ ‘કન્ટ્રી ઓફ ઓરિજિન’ પ્રમાણપત્રના આધારે ભારતમાં આયાત કરવાના પ્રયાસની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પાકિસ્તાનથી થતી આયાત પર ભારત સરકારે ભારે આયાત ડ્યુટી અને પ્રતિબંધાત્મક જોગવાઈઓ લાગુ કરી છે. કંડલા ખાતે અગાઉના ખજૂરકાંડમાં પવન ગોયલની અટકાયત બાદ હવે મુન્દ્રા પ્રકરણમાં પણ DRI અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે. કસ્ટમ હાઉસ એજન્ટ સહિત આ કૌભાંડ પાછળના મુખ્ય સૂત્રધારો કોણ છે તે અંગે તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળે છે.





