નવસારીઃ રેલવે પરિસરની કચરાપેટીમાંથી જન્મના માત્ર બે દિવસ બાદ બિનવારસી હાલતમાં મળી આવેલી નવજાત બાળકીને આખરે માતા-પિતાનો સ્નેહાળ ખોળો મળ્યો છે. નવસારી જિલ્લા વહીવટીતંત્રના સંવેદનશીલ પ્રયાસોથી કાયદેસરની દત્તક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બાળકીને દત્તક ઇચ્છુક દંપતીને ‘પ્રી-એડોપ્શન ફોસ્ટર કેર’ હેઠળ સોંપવામાં આવી હતી.
બાળ કલ્યાણ સમિતિ, ચીખલીની સ્પેશિયલ એડોપ્શન એજન્સી અને CARAના મિશન વાત્સલ્ય પોર્ટલ મારફતે જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને બાળકીને ‘Legally Free for Adoption’ જાહેર કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના હસ્તે બાળકી દંપતીને સોંપવામાં આવી ત્યારે ઉપસ્થિત સૌમાં લાગણીસભર માહોલ સર્જાયો હતો. કલેક્ટર સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ બાળકીના સુખી, સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.





