સુરત જિલ્લાના કોસંબા પંથકમાં ચાર વર્ષ જૂના એક અત્યંત ગંભીર હત્યાકાંડનો પોલીસ તપાસમાં પર્દાફાશ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. પોલીસના જણાવ્યા મુજબ, એક દંપતી પર પોતાના જ પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરી તેમના મોતને બીમારી અથવા કોરોનાથી થયેલા કુદરતી મૃત્યુ તરીકે રજૂ કરવાનો આરોપ છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે દાદી સાસુના મૃતદેહને છુપાવવા માટે સિમેન્ટથી પેક કરેલા ડ્રમમાં રાખી બાદમાં ઘરના આગળના ભાગમાં દાટી દેવામાં આવ્યો હોવાનો પોલીસનો દાવો છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળેલી માહિતીના આધારે શરૂ થયેલી તપાસમાં કોસંબા પોલીસ જોડાઈ હતી. મુખ્ય આરોપી માધવદાસ ભક્તિરામ સાધુની કબૂલાત બાદ પોલીસ જૂના કોસંબાના નવાપરા કબ્રસ્તાન ફળિયામાં આવેલા મકાન સુધી પહોંચી હતી. ત્યારબાદ કાયદેસરની પ્રક્રિયા હેઠળ સ્થળ પર ખોદકામ કરવામાં આવતાં પોલીસને માનવ અવશેષો મળ્યા હતા.
પોલીસે માંડવીના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, એફ.એસ.એલ. અધિકારી અને મેડિકલ ઓફિસરની હાજરીમાં મકાનના આગળના ભાગે ખોદકામ કરાવ્યું હતું. આશરે ૪x૫ ફૂટના વિસ્તારમાં અને લગભગ ૪ ફૂટ ઊંડાઈ સુધી ખોદકામ કરતાં સિમેન્ટથી બનેલો ડ્રમ આકારનો બ્લોક મળી આવ્યો હતો.
બ્લોક ખોલતાં અંદરથી પ્લાસ્ટિકની થેલીમાં માનવ ખોપરી અને હાડકાં સહિતના અવશેષો મળી આવ્યા હતા. સાથે કપડાં અને બંગડીઓ પણ મળી આવી હતી.સગા-સંબંધીઓ દ્વારા આ વસ્તુઓની ઓળખ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.અવશેષોને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે.પોલીસ તપાસ મુજબ વર્ષ ૨૦૨૨ દરમિયાન દંપતીના નજીકના પરિવારના ત્રણ સભ્યોનાં મોત થયાં હતાં. પોલીસને શંકા છે કે આ ત્રણેય ઘટનાઓ પાછળ એકસરખી રીત અને એક જ દંપતીની સંડોવણી હોઈ શકે છે.
પ્રથમ ઘટના : પોલીસના જણાવ્યા મુજબ, આરોપી માધવદાસની સાળી ભારતીબેન ઉર્ફે ભગવતી ટી.બી.ની ગંભીર બીમારીથી પીડાતી હતી. તેના પતિનું અગાઉ મૃત્યુ થયું હોવાથી તે કોસંબામાં દાદી સાથે રહેતી હતી.પોલીસનો આરોપ છે કે સારવાર અને દવાના ખર્ચથી કંટાળેલા દંપતીએ ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૨ની રાત્રે તેની હત્યા કરી હતી અને બાદમાં તેનું મૃત્યુ બીમારીને કારણે થયું હોવાનું કહી અંતિમવિધિ કરી હતી.
બીજી ઘટના : ત્યારબાદ ૧૯ જુલાઈ ૨૦૨૨ના રોજ માધવદાસની ૬૫ વર્ષીય માતા મંજુલાબેન સાધુનું મૃત્યુ થયું હતું. તેઓ લકવાની બીમારી સહિતની તકલીફોથી પીડાતા હતા.પોલીસ તપાસમાં દાવો કરવામાં આવ્યો છે કે માતાની હત્યા કર્યા બાદ તેમના મૃત્યુને બીમારીનું પરિણામ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું અને ધોળકા ખાતે અંતિમવિધિ કરવામાં આવી હતી.
ત્રીજી ઘટના : સૌથી ચોંકાવનારી ઘટના ૭ ઓક્ટોબર ૨૦૨૨ની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, ૭૫ વર્ષીય શાંતબેન વસાવાની મિલકત મેળવવાના ઇરાદે દંપતીએ તેમની હત્યા કરી હતી.આરોપ છે કે હત્યા બાદ મૃતદેહને ઘરમાં રહેલા ડ્રમમાં રાખી સિમેન્ટથી પેક કરવામાં આવ્યો હતો. કેટલાક મહિના બાદ ડ્રમને દૂર કરી ઘરના આગળના ભાગમાં ખાડો ખોદીને મૃતદેહ દાટી દેવામાં આવ્યો હતો. પરિવારજનોને શાંતબેનનું મૃત્યુ કોરોનાને કારણે થયું હોવાનું જણાવાયું હતું.
ચાર વર્ષ બાદ રહસ્યનો ભેદ ઉકેલાયો : ઘટનાને લગભગ ચાર વર્ષનો સમય વીતી ગયા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળેલી અરજી અને ત્યારબાદની તપાસમાં આ સમગ્ર મામલો ફરી પ્રકાશમાં આવ્યો હતો. મુખ્ય આરોપીની કબૂલાતના આધારે કોસંબા પોલીસ દ્વારા સ્થળની તપાસ અને ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું.માનવ અવશેષો મળી આવતાં પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને ફોરેન્સિક અને તબીબી તપાસની કાર્યવાહી આગળ ધપાવી છે.
પતિ-પત્ની સામે હત્યા સહિતની કલમો હેઠળ કાર્યવાહી : કોસંબા પોલીસે તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ બંને આરોપીઓ સામે હત્યા, પુરાવાનો નાશ કરવા સહિતની સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો છે.પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હોવાનું જણાવ્યું છે જેમાં (૧) માધવદાસ ભક્તિરામ સાધુ, ઉંમર ૩૮ વર્ષ, રહે. વાલથેરા, તા. ધોળકા, જિ. અમદાવાદ (૨) ઉર્મિલાબેન ઉર્ફે જયા, ઉંમર ૩૭ વર્ષ, માધવદાસની પત્ની, મૂળ રહે. કોસંબા, હાલ રહે. કલોલ, ગાંધીનગર.પોલીસ દ્વારા બંને આરોપીઓના રિમાન્ડ મેળવવા તથા સમગ્ર હત્યાકાંડમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ તપાસમાં હજુ અનેક સવાલોના જવાબ બાકી : ત્રણેય મોત વચ્ચેની ચોક્કસ કડી શું હતી? મિલકતનો કેટલો હિસ્સો આ ઘટનામાં મહત્વનો હતો? ત્રણેય ઘટનાઓ અંગે અગાઉ કોઈ શંકા કેમ ન ઊભી થઈ? અને આ સમગ્ર કાવતરામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ હતી કે નહીં આવા અનેક સવાલોના જવાબ હવે પોલીસ તપાસમાં સામે આવવાના બાકી છે.ચાર વર્ષ જૂના આ કેસમાં ઘરમાંથી માનવ અવશેષો મળી આવતાં કોસંબા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે ચકચાર મચી છે.




