નવી દિલ્હી: મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે ઈન્ડી ગઠબંધન દ્વારા દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ જોડાશે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીએ આ વાતની પુષ્ટિ કરતાં જણાવ્યું કે મમતા બેનર્જી હાલમાં દિલ્હીમાં છે અને શુક્રવારે યોજાનારી કૂચમાં ભાગ લેશે.
કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત વિપક્ષી નેતાઓએ ગુરુવારે રાજઘાટ ખાતે ધરણાં યોજ્યાં હતાં. શુક્રવારના વિરોધ પ્રદર્શનમાં ઈન્ડી ગઠબંધનના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ જોડાય તેવી શક્યતા છે. જોકે, કૂચના રૂટ અને સ્થળ અંગેની સત્તાવાર વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી.
દરમિયાન, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે કનોટ પ્લેસની એક રેસ્ટોરન્ટમાં વિપક્ષી સાંસદો અને નેતાઓ માટે ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. તેમાં ટીએમસી, સમાજવાદી પાર્ટી, સીપીઆઈ(એમ), સીપીઆઈ અને આરજેડીના સાંસદો સહિત વિવિધ વિપક્ષી પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. શુક્રવારના કાર્યક્રમને વિપક્ષી એકતાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.





