જંતર-મંતર પ્રદર્શન પહેલાં અટકાયત, CJPના ત્રણેય નેતાઓ રૂ. 50 હજારના બોન્ડ પર મુક્ત

નવી દિલ્હી: જંતર-મંતર ખાતે પ્રદર્શન પહેલાં દિલ્હી પોલીસે અટકાયતમાં લીધેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના ત્રણ નેતાઓ અભિજિત દીપક, આશુતોષ રાંકા અને સૌરવ દાસને રવિવારે વિશેષ કાર્યકારી મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. ત્રણેયને એક વર્ષ સુધી શાંતિ જાળવવાની શરતે રૂ. 50 હજારના બોન્ડ પર મુક્તિ આપવામાં આવી હતી.મુક્તિ બાદ અભિજિત દીપક મહારાષ્ટ્રના હિંગોલી ખાતે પોતાના વતન જવા રવાના થયા હતા. તેમની દાદીનું નિધન થતાં અંતિમ સંસ્કાર માટે તેઓ રવાના થયા હતા. બીજી તરફ, આશુતોષ રાંકા અને સૌરવ દાસે પત્રકાર પરિષદ યોજી દિલ્હી પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા હતા.

સૌરવ દાસે આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ઇશારે CJPના કાર્યકરો સાથે બર્બરતા કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો કે તેમની ધરપકડ નહીં, પરંતુ અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમના મોબાઇલ ફોન જપ્ત કરીને હેક કરવામાં આવ્યા હતા. તેમણે દેશમાં કટોકટી જેવી સ્થિતિ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

આશુતોષ રાંકાએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. CJPના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે સરકાર ચૂંટણી કમિશનરને બચાવી રહી છે અને ચૂંટણી પ્રક્રિયામાં ભાજપને ફાયદો થાય તે રીતે કામગીરી થઈ રહી છે. જોકે, આક્ષેપો અંગે સંબંધિત પક્ષોની પ્રતિક્રિયા અહીં ઉપલબ્ધ નથી.

error: Content is protected !!