સ્ટારલિંકને ભારતમાં મંજૂરી ન આપો! SJMએ ઉઠાવ્યો રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો, મસ્ક સામે કર્યા સવાલો

નવી દિલ્હી: એલોન મસ્કની સેટેલાઇટ બ્રોડબેન્ડ કંપની સ્ટારલિંકને ભારતમાં કામકાજ કરવાની મંજૂરી આપવા સામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા સ્વદેશી જાગરણ મંચ (SJM)એ વાંધો ઉઠાવ્યો છે. મંચે રાષ્ટ્રીય સુરક્ષા, ડેટાની ગોપનીયતા અને કાયદો-વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સ્ટારલિંકને મંજૂરી ન આપવાની માગ કરી છે.SJMના જણાવ્યા અનુસાર, સ્ટારલિંકની ટેક્નોલોજી દ્વારા એકત્રિત થતો ડેટા ભારતની બહાર આવેલા સર્વર પર મોકલવામાં આવે છે, જે સુરક્ષાની દૃષ્ટિએ ચિંતાજનક છે. મંચે ભારપૂર્વક જણાવ્યું છે કે કંપનીએ ભારતીય નિયમોનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ અને લાઇસન્સ સંબંધિત પ્રશ્નો માટે યોગ્ય મંચ પર રજૂઆત કરવી જોઈએ.

મંચના નેતા અશ્વિની મહાજને એવી પણ ચિંતા વ્યક્ત કરી છે કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિમાં ઇન્ટરનેટ બંધ કરવાનો આદેશ આપવામાં આવે ત્યારે સ્ટારલિંક તેનું પાલન નહીં કરે તો મુશ્કેલી ઊભી થઈ શકે છે.ઉલ્લેખનીય છે કે, સ્ટારલિંકે ભારતમાં સેવા શરૂ કરવા માટે અરજી કરી છે, પરંતુ તેને હજુ મંજૂરી મળી નથી. આ મુદ્દે એલોન મસ્કે સવાલ ઉઠાવ્યા હતા, જેને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રીટ્વિટ કરતાં રાજકીય વિવાદ પણ સર્જાયો હતો. ભાજપે આ મામલે રાહુલ ગાંધીની ટીકા કરી હતી. ( Courtesy )

error: Content is protected !!