કેન્દ્ર સરકારે રૂ.2,000થી વધુના પસંદગીના UPI વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચાર્જ લાગુ કરવાનો નિર્ણય દિવાળી પછી સુધી મુલતવી રાખ્યો છે. આ ચાર્જનો અમલ 15 ઑક્ટોબરથી થવાનો હતો. જોકે, તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને પર્સન-ટુ-મર્ચન્ટ (P2M) વ્યવહારોની પસંદગીની શ્રેણી માટે અમલની તારીખ પાછળ ઠેલવામાં આવી છે. નવી તારીખની જાહેરાત બાદમાં કરવામાં આવશે.
અગાઉના આયોજન મુજબ, આ વ્યવહારો પર 0.40 ટકા MDR ચાર્જ લાગુ થવાનો હતો. આ દરે રૂ.10,000ની ચુકવણી પર રૂ.40 ચાર્જની ગણતરી થાય છે. જોકે, હાલનો નિર્ણય તમામ UPI વ્યવહારોને લાગુ પડતો નથી. દિવાળી પછી કયા વ્યવહારો પર ચાર્જ લાગુ થશે અને તેનો અમલ ક્યારથી શરૂ થશે તે અંગેની સ્પષ્ટતા નવી જાહેરાત બાદ જ થશે. (Courtesy)





