ખાંડનું ઉત્પાદન ઘટતાં શેરડી આધારિત ઈથેનોલ ખરીદી પર પ્રતિબંધ

નવી દિલ્હી : અલ-નીનોની અસર અને ઓછા વરસાદને કારણે ભારતમાં ખાંડનું ઉત્પાદન ઘટીને ૨૦૨૬-૨૭ની સિઝનમાં ૨.૮ કરોડ ટન રહેવાની આશંકા છે. ખાંડની સંભવિત અછત અને ભાવવધારાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે શેરડીના રસ, ખાંડ, સુગર સિરપ અને બી-હેવી મોલાસીસમાંથી બનેલા ઈથેનોલની ખરીદી પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણયથી રાષ્ટ્રીય ઈથેનોલ સપ્લાયમાં અંદાજે ૨૫૦ કરોડ લીટરનો ઘટાડો થવાની શક્યતા છે.સરકારી ઓઈલ કંપનીઓએ આગામી ૧ નવેમ્બરથી શરૂ થતી સિઝન માટે આશરે ૧,૧૦૦ કરોડ લીટર ઈથેનોલ ખરીદવાના ટેન્ડર જાહેર કર્યા છે. હવે કંપનીઓએ ઈથેનોલની જરૂરિયાત પૂરી કરવા મકાઈ અને ચોખા જેવા અન્ય અનાજ પર આધાર રાખવો પડશે.

ગત સિઝનમાં ખાંડનું ઉત્પાદન ૩.૧ કરોડ ટન રહ્યું હતું, જ્યારે આગામી સિઝનમાં ઉત્પાદન ઘટવાની સાથે મિલો પાસે ખાંડનો પ્રારંભિક સ્ટોક પણ એક દાયકાથી વધુ સમયના સૌથી નીચા સ્તરે, ૩૫થી ૩૬ લાખ ટન રહેવાનો અંદાજ છે. ઉદ્યોગના અંદાજ મુજબ, ખાંડની અછતને પહોંચી વળવા આવતા વર્ષે જૂન-જુલાઈ સુધીમાં ઓછામાં ઓછી ૧૦ લાખ ટન ખાંડની આયાત કરવાની જરૂર પડી શકે છે. (Courtesy)

error: Content is protected !!