મુંબઈ: બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ પર મુંબઈના જુહુ વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે. આ હુમલામાં ટાઇગર શ્રોફ સુરક્ષિત છે, જ્યારે તેમના ડ્રાઇવર અને એક રિક્ષાચાલક ઘાયલ થયા છે. બંનેને લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, ટાઇગર શ્રોફ ફૂટબોલ રમીને જુહુના જે.વી.પી.ડી. ગ્રાઉન્ડની બહાર આવી રહ્યા હતા. તે દરમિયાન બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ તેમની ગાડી નજીક 3થી 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા લૉરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતા અનિલ પંડિતે આ હુમલાની જવાબદારી લીધી છે. પોસ્ટમાં સલમાન ખાન સાથે કામ કરનારાઓને પણ ધમકી આપવામાં આવી છે. જોકે, આ દાવાની પોલીસ દ્વારા સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે તપાસ તેજ કરી છે અને હુમલાખોરોને પકડવા માટે 15 વિશેષ ટીમો બનાવવામાં આવી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ ગુનેગારોને ઝડપી લેવા પોલીસને સૂચના આપી છે. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું છે કે લોકોની સુરક્ષા સરકારની પ્રાથમિકતા છે અને ફાયરિંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ( Courtesy)





