ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મની ઘટના બાદ ભરૂચ જિલ્લામાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ભરૂચ જિલ્લાના આમોદના એક ગામમાં 35 વર્ષના એક શખ્સે 72 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે આરોપીએ અગાઉ પણ આ વૃદ્ધા પર જ દુષ્કર્મ આચર્યું હતું. એ ઘટનામાં જામીન મળતાં તે બહાર આવ્યો હતો અને ફરીથી વૃદ્ધા પર દુષ્કૃત્ય આચરી મારી નાખવાની ધમકી આપી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના એક ગામનાં વાડી-વિસ્તારમાં ઝૂંપડી બાંધીને રહેતાં 72 વર્ષીય વૃદ્ધા પર 35 વર્ષના શૈલેષ રાઠોડ નામના શખ્સે તારીખ 15 અને 22 ડિસેમ્બરે બે વખત દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે વૃદ્ધાએ આમોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ અંગે પોલીસે આરોપી સામે દુષ્કર્મ તેમજ ધમકીનો ગુનો દાખલ કર્યો છે.આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર આરોપીએ લગભગ દોઢ વર્ષ પહેલા આ વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું હતું અને એ સમયે આમોદ પોલીસે તેની ધરપકડ કરી હતી. એ કેસમાં આરોપીને થોડા દિવસ પહેલા જ જામીન મળી હતી અને આથી તે જેલમાંથી બહાર આવ્યો ત્યારે ફરીવાર તેણે આ વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું છે. આ બનાવ અંગે આમોદ પોલીસે ટીમ બનાવીને ફરાર આરોપીની ધરપકડ કરવા તપાસ આદરી છે.ગઇકાલે ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનનારી બાળકી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચેનો જંગ ખેલ્યા બાદ મૃત્યુ પામી છે. સતત આઠ દિવસની સારવાર બાદ બાળકીનું મૃત્યુ થયું છે. 16 ડિસેમ્બર, 2024ના ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પાડોશમાં રહેતા જ વિજય પાસવાને બાળકી સાથે દુષ્કર્મ કરી તેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.