બારડોલી તાલુકાના વાઘેચ ગામની સીમમાં નવસારી જતા રોડ ઉપર શેરડી ભરેલી ટ્રકમાંથી શેરડીનો ભારો એકટીવા સવાર દંપતી ઉપર પડતા પત્નીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. નવસારીના વિજલપોરનું દંપતી કામરેજના ગલતેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરીને પરત જતું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવસારી નજીકના વિજલપોર ખાતે સરસ્વતી નગરમાં ચુનીલાલ ઓલામાભાઈ પાડવી (ઉ.વ.૩૨., મૂળ રહે.કોઠાર, જી.નંદુરબાર, મહારાષ્ટ્ર) પતી ગંગાબેન (ઉ.વ.૩૧) સાથે રહે છે અને રતકલાકાર તરીકે કામ કરે છે. જોકે ચુનીલાલને સંતાન નથી. જયારે ચુનીલાલ પોતાની એકટીવા નંબર એમએચ/૩૯/એએમ/૬૬૩૯ ઉપર પત્ની ગંગાબેનને બેસાડી કામરેજના ટીમ્બા ગામે તાપી નદી કિનારે આવેલા ગલતેશ્વર હાદેવ મંદિરે દર્શન કરવા ગયા હતાં. મંદિરે દર્શન કરીને પરત વિજલપોર ઘરે જતાં હતાં. દરમિયાન રસ્તામાં બારડોલીના વાઘેચ ગામની સીમમાં શેરડી ભરેલી ટ્રક નંબર જીજે/૦૫/એઝેડ/૯૭૧૬ પસાર થતી હતી. ટ્રક જમણી બાજુથી પસાર થતી વખતે ટ્રક ઉપરથી શેરડીનો ભારો એકટીવા ઉપર બેઠેલી ગંગાબેનના શરીર ઉપર પડતાં એકટીવા ચાલક ચુનીલાલ પાડવીએ સંતુલન ગુમાવતા બંને જણા રોડ પર પટકાયા હતા. ગંગાબેનને શરીરે ગંભીર ઈજા થતાં સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરતાં બારડોલી રૂરલ પોલીસે ચુનીલાલ પાડવીની ફરિયાદ લઈ શેરડી ભરેલી ટ્રકના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.