પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના ઉસ્થીમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ભાજપ કાર્યાલયમાં પાર્ટીના એક નેતાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાને લીધે રાજકીય વર્તુળમાં ચકચાર મચી છે. આ અંગે પોલીસે શનિવારે આ જાણકારી આપી હતી.
ભાજપની ઓફિસમાંથી પાર્ટીના જે નેતાનો મૃતદેહ મળ્યો છે તેનું નામ પૃથ્વીરાજ નાસ્કર હતું. પાર્ટીના સોશિયલ મીડિયા એકાઉન્ટને મેનેજ કરતો હતો. શુક્રવારે રાત્રે પાર્ટી ઓફિસમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના પરિવારજનોનું કહેવું છે કે તે 5 નવેમ્બરથી ગુમ હતો.આ મામલે ભાજપે તૃણમૂલ કોંગ્રેસને પર પ્રહાર કર્યા છે. જોકે, પોલીસે કહ્યું છે કે આ કેસમાં એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે અને હત્યાનું કારણ જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસે એમ પણ કહ્યું છે કે ધરપકડ કરાયેલ મહિલાએ કબૂલાત કરી છે કે તેણે જ નાસ્કર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો.
આ મામલે એક સત્તાવાર નિવેદન પણ સામે આવ્યું છે અને એક પોલીસ અધિકારીએ કહ્યું છે કે પ્રારંભિક તપાસ અને મોબાઈલ ફોનની માહિતી એકત્ર કર્યા બાદ મહિલાની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન મહિલાએ ગુનો કબૂલ્યો હતો. હવે આ ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.આ પૂર્વે પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસના સ્થાનિક નેતા પણ માર મારવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે 40 વર્ષીય સમીર થાંદર રાત્રે જ્યારે તે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે બોલપુર શહેર નજીક પારુલડાંગા ખાતે કેટલાક લોકોએ હુમલો કર્યો હતો,તેઓ કંકલીતાલા પંચાયતના સભ્ય હતા. પોલીસે જણાવ્યું કે સમીર થાંદરનું બર્દવાન મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.