દિલ્લીનાં CM રેખા ગુપ્તા પર હુમલાખોરનો ગોપાલ ઈટાલિયા સાથેનો ફેક ફોટો મૂકી ભાજપના નેતા ફસાયા, ગોપાલ ઇટાલિયાએ શું જવાબ આપ્યો ?

દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા પર તેમના નિવાસ સ્થાને જ હુમલો કરવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ ‘જન સુનવાઈ’ દરમિયાન આવેલા હુમલાખોરે મુખ્ય પ્રધાનને થપ્પડ મારી હતી અને તેમના વાળ ખેંચીને ટેબલ સાથે અથડાવવાનો પ્રયાસ કર્યો હતો, આ ઘટનામાં રાજકોટના રહેવાસી રાજેશ સાકરિયાની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીના ભાજપ વિધાનસભ્ય હરીશ ખુરાનાએ સોશિયલ મીડિયા એક ફોટો શેર કરી દાવો કર્યો હતો કે હુમલાખોર આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છે, જો કે આ ફોટો AI જનારેટેડ હોવાનું જાણવા મળતા હરીશ ખુરાના ફસાયા છે.

હરીશ ખુરાનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આરોપી રાજેશ સાકરિયા ગુજરાતના વિસાવદથી AAPના વિધાનસભ્ય ગોપાલ ઇટાલિયા સાથે ઉભો હોય એવો ફોટો શેર કર્યો હતો. આ સાથે તેમણે લખ્યું કે, “જેવી શંકા હતી એવું જ થયું. અરવિંદ કેજરીવાલનાં ખાસ ગોપાલ ઈટાલીયા સાથેનો ફોટો ઘણું બધું કહી જાય છે. એટલે કે, સ્પષ્ટપણે દેખાય છે કે રેખા ગુપ્તાજી પર આજે થયેલો હુમલો AAP સાથે જોડાયેલો છે. કેજરીવાલજીએ આ ફોટાનું સત્ય જણાવવું જોઈએ?”

AAPએ આરોપો ફગાવ્યા: AAPના ગુજરાત યુનીટે આ આરોપોને ફગાવી દીધા હતાં, પાર્ટીએ ફોટોને નકલી ગણાવ્યો. તપાસમાં જાણવા મળ્યું કે આ હુમલાને કોઈ રીતે AAP સાથે જોડવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સનો ઉપયોગ કરી આ ગોપાલ ઈટાલીયાના જુના ફોટો સાથે છેડછાડ કરવામાં આવી હતી. Xએ પણ આ ફોટોને નકલી અને ગેરમાર્ગે દોરનારો ગણાવ્યો છે.ગુજરાત AAPના પ્રવક્તાએ જણાવ્યું “આ ફોટો નકલી અને એડીટેડ છે. તેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને AAPની છબી ખરાબ કરવા માટે બનાવવામાં આવ્યો હતો.” તેમણે જણાવ્યું કે 2 ઓગસ્ટના રોજ ગોપાલ ઇટાલિયાએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરેલા એક વિડિયોમાંથી સ્ક્રીનશોટ લઇને તેને એડિટ કરવામાં આવ્યો હતો.

ગોપાલ ઇટાલિયાનો વળતો જવાબ: AAPના વિધાનસભ્ય ગોપાલ ઇટાલિયાએ હરીશ ખુરાના અને ભાજપને જોરદાર વાળતો જવાબ આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, “હરીશ ખુરાનાજી, શું તમે પોતાની કોઈ ટ્રોલર કરતા વધુ ઈજ્જત નથી કરતા? આવું હલકું કૃત્ય કરતા પહેલા તમારે તમારા પિતા મદનલાલજીના માન વિશે વિચારવું જોઈતું હતું. તમને બે રૂપિયા લઇ એક ટ્વીટ કરતા ભાજપ કાર્યકર કરતા નીચા કૃત્યો કરતા જોઈને શું સ્વર્ગસ્થ મદનલાલજી ખૂબ ખુશ થશે? તેઓ તેમના પુત્રને ટ્રોલ કરનારો બનતો જોઈને તેઓ શું વિચારતા હશે?”

ઓરીજીનલ વિડીયોની લીંક શેર કરતા ગોપાલ ઈટાલીયા એ લખ્યું, “વિધાનસભ્ય બન્યા પછી, મારે તમારા જેવા ટ્રોલર્સને સમજાવવું પડશે, એ મારા માટે પણ દુર્ભાગ્યની વાત છે, પરંતુ હજુ પણ આ જુઓ. તમે મારા આ જૂના વિડીયોમાંથી કેટલાક સ્ક્રીનશોટ લીધા છે, તેને એડિટ કર્યો છે અને નકલી ફોટા પોસ્ટ કર્યા છે. પૂર્વ મુખ્યપ્રધાનના પુત્ર હોવા છતાં, તમને આવું ઘૃણાસ્પદ કૃત્ય કરવામાં થોડી પણ શરમ ન આવી?”

ઈટાલીયાએ વધુમાં લખ્યું, “હું બધા મીડિયાને અપીલ કરું છું કે આ ટ્રોલર હરીશજીના ટ્વીટની ચકાસણી કર્યા વિના સમાચાર ન ચલાવો. તો આવું ચાલશે તો મને કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે.” દિલ્હી AAP વિધાનસભ્ય અનિલ ઝાએ આ હુમલાની ઘટનાને બનાવટી ગણાવી અને ભાજપના નેતાઓએ આ હુમલાને કાવતરું ગણાવ્યું હતુ. તેમણે કહ્યું કે “કોઈ હુમલો થયો જ નથી. હું તેમને ઘણા સમયથી ઓળખું છું. એક વાર્તા ઘડી કાઢવામાં આવી છે, અને તેમણે આ ઘટનામાં મોહરુ બનાવવા માટે એક માણસ મળી ગયો.”

error: Content is protected !!