રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીની પૂર્વ સંધ્યાએ દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય વ્યારાના પટાંગણ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓની ઉપસ્થિતીમાં ‘તાપી તારા નીર નિરંતર’ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.સંસ્કૃતિ અને પરંપરાઓથી વૈવિધ્યસભર ગુજરાતમાં દરેક જિલ્લો આગવી ભાતીગળ કલા અને સાસ્કૃતિ ધરાવે છે. આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતા તાપી જિલ્લામાં સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રારંભ પરંપરાગત આદિવાસી નૃત્યથી કરાયો હતો. ત્યારબાદ દક્ષિણની જીવાદોરી સમાન તાપી નદી ઉપર નાટ્યકૃતિ પ્રસ્તુત કરવામાં આવી હતી. આ સાથે માતા શબરી અને ભગવાન રામની કથા નૃત્યનાટ્ય પ્રસ્તુતિના રૂપમાં વણી લેવામાં આવી હતી.
વિડીયો અને સૂત્રધાર દ્વારા ગુજરાતના ઇતિહાસમાં લાટપ્રદેશ તરીકેની ઓળખ ધરાવતા ઐતિહાસિક તાપી જિલ્લાના પ્રાચીન થી અર્વાચીન ઇતિહાસને પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.રાજ્યમાં ગાયકવાડ સરકારના પાયા સોનગઢથી નંખાયા હતા, ૧૭૨૯ માં મેવાસી ભીલો સામે યુદ્ધ કરીને ગાયકવાડે સોનગઢમાં કિલ્લો બનાવ્યો હતો. જે કિલ્લાની વાતો નાટ્ય સ્વરૂપે રજૂ કરાઇ હતી.ત્યારબાદ આઝાદીના વિપ્લવમાં ભારતના આદિવાસી વિસ્તારોમાં બ્રિટીશરોનો કબજો, ભીલ આદિવાસી સંગ્રામ, અંગ્રેજો સામેના યુદ્ધોની વાત, સંગ્રામો પરમેશ્વર અને રૂપા નાયકની કથા પણ અહીં નાટક સ્વરૂપે રજૂ કરવામાં આવી હતી. વિપ્લવના અમર શહિદોના બલિદાનને સલામ કરતી સ્વાતંત્ર્ય સંગ્રામની ગાથા ગીત પ્રસ્તુતિરૂપે રજુ કરાઇ હતી.
આ પ્રસંગ બાદ ૧૯મી સદીની શરૂઆતમાં મહાત્મા ગાંધીની ચળવળ, સરદાર વલ્લભભાઈ પટેલનો બારડોલી સત્યાગ્રહ અને દાંડી યાત્રામાં કઠેવાડાનો પ્રસંગ નાટ્ય સ્વરૂપે રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વેડછી આંદોલન, દેવી આંદોલન, વારલી આંદોલન, મોક્ષ માર્ગી આંદોલન, સંત કેવળ ચળવળ સ્વરાજ કથાઓ સમાજ સુધારણા અને દેશની આઝાદીની વાતો સુરમય સંગીત, દેશભક્તિ ગીત અને ભજનોના માધ્યમ થકી કલાત્મક રીતે અહીં રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ કોટલા મહેતા અને વેઠપ્રથા નાબૂદી માટે તાપી જિલ્લામાંથી થયેલા આંદોલનનો ટૂંકસાર નાટ્ય સ્વરૂપે રજૂ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગ બાદ દેશની આઝાદી પછી દેશને પોતાનું સ્વતંત્ર બંધારણ મળ્યું, ડૉ. બાબાસાહેબ આંબેડકરે આદિવાસી સમાજના વિકાસ માટે અનેક જોગવાઈઓ કરી જેની નાનકડો નાટ્યપ્રસંગને આબેહુબ વેશભૂષા ધારણ કરીને કલાકારો દ્વારા ટૂંકી ચર્ચા સ્વરૂપે રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં દેશને આઝાદી મળી અને આદિવાસી સમાજમાં સુખના સૂર્યનો ઉદય થયો જેને વણી લેતું દેશભક્તિ ગીત આદિવાસી અને વેસ્ટર્ન શૈલીના મિશ્રભાવ સાથે ભીલ અને રાઠવા વેશભૂષામાં ટીમલી, ઢાળ, પુરાણ, ઢોલી, વાંસળી, પાવો જેવા વાદ્યોના ઉપયોગ સાથે નૃત્ય રજૂ કરાયું હતું.
તાપી અને આસપાસ વસેલા આદિવાસી બાંધવોનો પહેરવેશ અને સંસ્કૃતિના આધારે પરંપરાગત લોકનૃત્ય આદિવાસી સંગીત અને વાદ્યો દ્વારા આદિવાસી ભવ્યતા અને રાજ્યની ઓળખ ઝાંખી રજૂ કરવામાં આવી હતી.નૃત્યનાટિકાનો અંતિમ ચરણમાં તાપી જિલ્લાના વિકાસની દસ્તાવેજી ફિલ્મ તેમજ જિલ્લા વહીવટીતંત્ર અને માહિતી ખાતા દ્વારા પ્રકાશિત પરિચય પુસ્તિકા- “તાપી…પ્રકૃતિ,સંસ્કૃતિ અને શક્તિનો સંગમ” પ્રસ્તુત કરવામાં આવી હતી. અંતે ફિનાલેમાં “તાપી મારૂ ગૌરવ એ…” ગીત દ્વારા કાર્યક્રમનું ભવ્ય સમાપન થયું. સંગીત, નૃત્યનાટિકા, વેશભૂષા, લાઇટીંગ સાઉન્ડના સુમિશ્રણથી ભવ્યાતિભવ્ય કાર્યક્રમને મહાનુભાવો અને પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી ઉત્સાહ સાથે વધાવી લીધો હતો. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા તાપી જિલ્લા તંત્ર આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, સહિત રાજયકક્ષાના વન વિભાગના મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ, આદિજાતી વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ સહિત વિવિધ વિભાગના સચિવશ્રીઓ, સ્થાનિક પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં જાહેર જનતા ઉપસ્થિત રહી હતી.