દક્ષિણ ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સના 50 જેટલા બિનવારસી પેકેટ મળી આવ્યા છે.જોકે આ પહેલીવાર નથી, અગાઉ સુરત, વલસાડમાં પણ ડ્રગ્સ મળી આવ્યું છે ત્યારે હવે નવસારી જિલ્લાના દરિયા કિનારેથી નશીલા પદાર્થોનો જથ્થો મળી આવ્યો છે. જેને લઈ પોલીસ અને વહીવટી તંત્રની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ઓંજલ ગામ નજીકથી આ પેકેટ મળી આવ્યા છે.

નવસારી જિલ્લામાં જલાલપોર તાલુકાના ઓંજલ ગામના દરિયા કિનારેથી બિન વારસી હાલતમાં નશીલા પદાર્થોનો મોટો જથ્થો મળી આવ્યો છે. સુરત અને વલસાડના દરિયા કિનારે નશીલા પદાર્થોના પેકેટ મળી આવ્યા બાદ નવસારી પોલીસ દરિયા કિનારે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને સંદિગ્ધ નશીલા પદાર્થોનો જથ્થો મળી આવ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ ઓંજલ ગામના દરિયા કિનારા ઉપરથી જુદા જુદા સ્થળે 50 જેટલા પેકેટ પોલીસને બિનવારસી હાલતમાં મળી આવ્યા છે.મોડી સાંજે જથ્થો મળી આવતા એફએસએલ, એસઓજી અને મામલતદાર સહિતની ટીમો દરિયા કિનારે દોડી ગઈ હતી. જ્યાં મોડી રાત સુધી પંચનામુ કરી નશીલા પદાર્થોનો જથ્થો કબજે લેવાની કાર્યવાહી પોલીસે કરી હતી. છેલ્લી મળતી વિગતો મુજબ બિનવારસી મળી આવેલા જથ્થામાં કયા પ્રકારના નશીલા પદાર્થ છે? કેટલા કિલોગ્રામ જથ્થો મળ્યો છે? તેની કિંમત કેટલી છે.? જેવા તમામ સવાલોના સાચા જવાબો પોલીસ તપાસ બાદ બહાર આવશે.