છેલ્લા ઘણા સમયથી દેશમાં ટ્રેનને ઉથલાવી પાડવાના પ્રયસો થઇ રહ્યા છે, અગાઉ રેલવે ટ્રેક પરથી સિમેન્ટ બ્લોક, ગેસ સિલીન્ડર જેવી વસ્તુ મળી આવી હતી. એવામાં ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ મોટો ખુલાસો કર્યો છે.GRPએ જણાવ્યું કે ઉત્તરાખંડના હરિદ્વારમાં રેલવે ટ્રેક પરથી ડિટોનેટર મળી આવ્યા હતાં, ટ્રેનને ઉડાવી દેવાના ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં આવ્યું છે.
અહેવાલ મુજબ જીઆરપીને રવિવારે રાત્રે મુરાદાબાદ રેલ્વે વિભાગના કંટ્રોલ રૂમમાંથી મોતી ચુર રેલ્વે સ્ટેશન નજીક રેલ્વે ટ્રેક પર ડિટોનેટર પડેલા હોવાની માહિતી મળી હતી. જીઆરપીની એક ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ડિટોનેટર કબજે કર્યા હતા.
હરિદ્વાર જીઆરપીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ રેલવે ટ્રેક પર શંકાસ્પદ રીતે ફરતો જોવા મળ્યો હતો. સીસીટીવી ફૂટેજને સ્કેન કર્યા પછી, શંકાસ્પદની ઓળખ ઉત્તર પ્રદેશના રામપુરના રહેવાસી અશોક તરીકે થઈ છે અને તેની ધરપકડ કરવામાં આવી હતી.અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓ પાસેથી કેટલાંક ડિટોનેટર મળી આવ્યા હતા અને અશોક સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના પાછળ આરોપીનો હેતુ હજુ સ્પષ્ટ થયો નથી અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.