સોનગઢ નગરના શાકભાજી માર્કેટમાં શાકભાજી વેચવાનો ધંધો કરતા આરીફ પટેલ નામના યુવાન પાસે પૈસાની માંગણી કરી ફારૂક મુરઘી અને તેના પુત્રોએ જીવલેણ હુમલો કરતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી આરોપીઓનું નગરમાં સરઘસ કાઢ્યું હોવાનું તાપી જિલ્લામાં પ્રથમ બનાવ નોંધાયો છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સોનગઢના શ્રીરામનગરમાં રહેતો આરીફ સરદારભાઈ પટેલ (ઉ.વ.આશરે ૪૦) શાકભાજી માર્કેટમાં શાકભાજી વેચવાનો ધંધો કરે છે. જોકે ગત તારીખ ૧૯-૨-૨૦૨૫ના બપોરે ૧:૪૫ વાગ્યે શાકભાજી માર્કેટ ખાતે જ રહેતા ફારૂખ કરીમ મંસુરી ઉર્ફે ફારૂક મુરઘી, તેનો પુત્ર સાબીર ફારૂક મંસુરી અને સાહિલ ફારૂક મંસુરી વિગેરે શાકભાજી માર્કેટમાં આરીફ પટેલ પાસે પહોંચી પૈસાની માંગણી કરી હતી. ત્રણેયે બોલાચાલી ઝઘડો કરી ઉશ્કેરાઈ જઈને આરીફ પટેલ પર જીવલેણ હુમલો કર્યો હતો. ફારૂક મંસુરીએ લોખંડનું વજનિયું ઉચકી આરીફ પટેલના માથામાં મારી લોહીલુહાણ કરી દીધેલ હતો. તેના એક પુત્ર સાબીર મંસુરીએ આરીફ પટેલને ઉચકી જમીન પર અફાડી દીધો હતો. જ્યારે બીજા પુત્ર સાહિલ મંસુરીએ આરીફ પટેલને પગના થાપાના ભાગે લાકડાથી સપાટા માર્યા હતા.
આ દરમિયાન ત્રણેય હુમલાખોરો આરીફ પટેલને જાનથી મારી નાંખવાની ધમકી આપી ગાળાગાળી કરતા હતા. તે સમયે ત્યાં દોડી આવેલ જાકીર પટેલ, નયન શીરસાટ અને સાબીર પટેલ વગેરેએ વચ્ચે પડી આરીફ પટેલને છોડાવ્યો હતો. હુમલાથી ગંભીર રીતે ઘવાયેલા આરીફ પટેલને તુરંત વ્યારાની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. ત્યાં આરીફ પટેલની છાતીની બે પાંસળી તૂટી ગયેલ હોવાનું માલુમ પડ્યું હતું. આ સાથે તેના કાનના ભાગે તથા કમરના ભાગે તેમજ જમણા પગે ઘુંટણ નીચે, થાપા પર, ડાબા પગે ઘૂંટણ પર અને જાંઘના ભાગે ગંભીર ઈજા થઈ હોવાનું પણ તબીબે જણાવ્યું હતું. બનાવ અંગે આરીફ પટેલના નાનાભાઈ શરીફ પટેલે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી તેઓની ધરપકડ કરી તારીખ ૨૦/૦૨/૨૦૨૫ નારોજ સાંજના સમયે સોનગઢ નગરના બજાર વિસ્તારમાં સરઘસ કાઢ્યું હતું, આ દરમ્યાન પોલીસે મારામારીની ઘટનાનું રીકન્સટ્રકશન પણ કર્યુ હોવાનું જાણવા મળેલ છે.