રાજસ્થાનના જોધપુર-બાલેસર વચ્ચે દુઃખદ માર્ગ અકસ્માત સર્જાયો : 5 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજસ્થાનના જોધપુર-બાલેસર વચ્ચે વહેલી સવારે એક અત્યંત દુઃખદ માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં ગુજરાતના પાંચ શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યો છે. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના શ્રદ્ધાળુઓ રામદેવરા (રણુજા) ખાતે દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે તેમનો મીની-ટેમ્પો ઝડપી ટ્રેલર ટ્રક સાથે ધડાકાભેર અથડાયો હતો.

આ દુર્ઘટના જોધપુરના બાલેસર વિસ્તારમાં NH-125 પર ખારી બેરી નજીક વહેલી સવારે બની હતી. ગુજરાતથી શ્રદ્ધાળુઓને લઈને રામદેવરા જઈ રહેલો મીની-ટેમ્પો (યાત્રાળુઓનું વાહન) પાછળથી આવી રહેલા એક ઝડપી ટ્રેલર ટ્રક સાથે જોરદાર રીતે અથડાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે મીની-ટેમ્પાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.આ ગમખ્વાર અકસ્માતમાં પાંચ ગુજરાતી શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. મૃતકોમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પરિવારોનો સમાવેશ થાય છે. અરવલ્લી જિલ્લાના 3 શ્રદ્ધાળુઓના મોત અને સાબરકાંઠા જિલ્લાના 2 શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ અકસ્માતને કારણે ધનસુરા (અરવલ્લી)ના રુઘનાથપુરા ગામના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

અકસ્માતમાં 10થી વધુ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને રાહત ટીમો સ્થળ પર પહોંચી હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે શરૂઆતમાં બાલેસરની CHC અને ત્યારબાદ વધુ સારવાર માટે જોધપુરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. અકસ્માતને કારણે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ થયો હતો, જેને પોલીસ દ્વારા ખુલ્લો કરાવવામાં આવ્યો હતો. પ્રારંભિક તપાસમાં ઝડપ અને ટ્રેલર ડ્રાઇવરની બેદરકારી અકસ્માત માટે જવાબદાર હોવાનું જણાયું છે. ગુજરાત અને રાજસ્થાનના સ્થાનિક નેતાઓ રાજસ્થાનના વહીવટી તંત્ર સાથે સતત સંપર્કમાં રહીને મૃતદેહોને ગુજરાત લાવવા અને ઘાયલોને યોગ્ય સારવાર મળે તે માટેની વ્યવસ્થા કરી રહ્યા છે.

error: Content is protected !!