કામરેજ તાલુકાની સીમમાં નવા બની રહેલા ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર કોઈપણ જાતની સિગ્નલ કે રિફ્લેક્ટર વગર ઉભેલા ટ્રકની પાછળ આઈસર ટેમ્પો ભટકાતા ટેમ્પો ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ, સુરતના કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં વાંસદારૂઢી ગામની સીમમાં ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર ચેનલ નંબર 994.7 પાસે આ અકસ્માત સર્જાયો હતો. ટાટા કંપનીની સીંગ્ના ટ્રક નંબર GJ-16-AW-6350 ના ચાલક સુરજકુમાર મનોજસિંહ યાદવે પોતાની ટ્રક ટેકનિકલ ખામીને કારણે હાઈવેના ટ્રેક પર ઉભી રાખી હતી. જોકે, ટ્રક ચાલકે પાછળથી આવતા વાહનોને ચેતવણી આપવા માટે કોઈપણ પ્રકારની રિફ્લેક્ટર લાઈટ કે બેરીકેટીંગ મૂક્યા નહોતા.
વહેલી સવારે આશરે 06:22 વાગ્યાની આસપાસ વડોદરાથી આવી રહેલો આઈસર ટેમ્પો નંબર MH-48-CQ-3072 આ ઉભેલા ટ્રકની પાછળ ધડાકાભેર અથડાયો હતો. અકસ્માત એટલો ભીષણ હતો કે ટેમ્પોનો આગળનો ભાગ અને કેબિન સંપૂર્ણપણે દબાઈ ગયા હતા, જેમાં ચાલક કનૈયાલાલ અમરનાથ યાદવ (ઉં.વ.35) ફસાઈ ગયા હતા. હાઈવે ઓથોરિટીની ક્રેન અને એમ્બુલન્સની મદદથી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.આ મામલે મૃતકના ભત્રીજા અને વડોદરા રહેતા ગીરીશકુમાર કલ્પનાથ યાદવે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.




