ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા ડાંગ જિલ્લામા સ્વછતા અને નશામુક્તિ અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ હાથ ધરાઇ રહી છે. જેમા શાળાકીય સ્પર્ધાનુ આયોજન, અને હૃદય રોગ નિવારણ શિબિર જેવા કાર્યક્રમો બાદ, ગિરિમથક સાપુતારા ખાતે ભારતના ભાવિ રમતવીરો તૈયાર કરતા સ્પોર્ટસ સંકુલ ખાતે, વિવિધ આસનો, ધ્યાન, પ્રાણાયામની શિબિરનુ આયોજન કરાયુ હતુ.
રમત ગમત દ્વારા શારીરિક રીતે સ્વસ્થ રહી શકાય છે. પરંતુ કઠિન પરિસ્થિતિમા કે હાર જીતના વિષયમા માનસિક પરિસ્થિતિ પર નિયંત્રણ લાવવુ હોય, તો નિયમિત ૩૦ મિનિટ ધ્યાન જરૂરી છે. જે ધ્યાને લઈ કેટલાક યોગાસનો અને પ્રાણાયામના ફાયદા, તમામ રમતવીરો અને સંકુલના હાજર કર્મચારીઓને યોગ બોર્ડના પ્રતિનિધિઓ દ્વારા શીખવવામા આવ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાંગ જિલ્લાનાં યોગ કો ઓર્ડીનેટર અને માન્ય ટ્રેનર્સ ટીમ દ્વારા, સંકુલના દરેક રમતવીરોનુ વ્યવસ્થિત ચોકસાઈપૂર્વક ધ્યાન રાખી, આસનો વધુ પરફેક્ટ રીતે થાય તે માટે વિશેષ લક્ષ આપવામા આવ્યુ હતુ. ત્યાર બાદ શિવ સ્ત્રોત Rhythmic meditation પણ કરાવવામા આવ્યુ હતુ. જેમા સ્પોર્ટસ સંકુલ ખાતેના રમતવીરોનો પ્રતિભાવ લેતા જણાયુ, કે તેમને દરેક આસનો તેમજ પ્રાણાયામ, ધ્યાનમા ખૂબ જ શાંતિની અનુભૂતિ જણાઈ હતી, અને આનંદ સાથે શિબિર પૂર્ણ કરી હતી. કાર્યક્ર્મના અંતે રાષ્ટ્રગીતના ગાન સાથે શિબિર પૂર્ણ કરવામા આવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી જિલ્લા યોગ કો ઓર્ડીનટર કુ.પ્રિયંકા ભોયે દ્વારા, સંકુલના હાજર સ્ટાફને શાલ અને તુલસીની માળા અર્પણ કરવામા આવી હતી.