અમરોલી પોલીસે નકલી ચલણી નોટ વટાવવા ગયેલા એક યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસે 8 હજાર રૂપિયાની નકલી ચલણી નોટ જપ્ત કરી છે. 100 રૂપિયાના દરની 22, અને 200 રૂપિયાના દરની 29 નોટો જપ્ત કરવામાં આવી છે. સુરતના અમરોલી વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે એક યુવકની ધરપકડ કરી હતી. સુધીત પોદાર નામનો યુવક નકલી ચલણી નોટો સાથે ઝડપાયો હતો. સુધીત પોદાર, છાપરા ભાઠાના પિયુષ ટેલિકોમ સંસ્થામાં નોટ વટાવા ગયો હતો. તે દરમિયાના પોલીસે વોચ ગોઠવી યુવકને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આરોપી કોની પાસેથી નકલી નોટ લાવ્યો હતો અને કોને કોને આવી નકલી નોટ આપી છે તે બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી એક મોબાઇલ પણ જપ્ત કર્યો હતો.
