બોમ્બે હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે 2019થી 2021ની વચ્ચે રાજ્યમાં લગભગ એક લાખ મહિલાઓ ગુમ થઈ ગઈ છે. મહિલાઓને શોધી કાઢવા માટે અસરકારક કાર્યપદ્ધતિ સ્થાપિત કરવી જોઈએ એવી માંગણી પણ અરજદારે કરી છે.
આ પીઆઈએલ સરકારના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટમાં કામ કરતા સાંગલીના ભૂતપૂર્વ સૈનિક શાહજી જગતાપ દ્વારા દાખલ કરવામાં આવી છે. વિજ્ઞાન શાખાના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી જગતાપની પુત્રી ડિસેમ્બર 2021માં ગુમ થઈ હતી. જગતાપે સાંગલીના સંજય નગર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
જોકે, પોલીસ તેની દીકરીને નથી શોધી શકી. અરજીમાં જગતાપે જણાવ્યું છે કે ‘દીકરીને શોધતી વખતે તેણે ઈસ્લામ ધર્મ અંગીકાર કરીને લગ્ન કરી લીધા હોવાની અમને જાણ થઈ હતી. અમે ફક્ત બે મિનિટ માટે જ પુત્રીને મળ્યા. જોકે ત્યાર બાદ પુત્રી ક્યાં છે અને શા માટે તેણે તેના પરિવાર સાથે સંબંધ તોડી નાખ્યો એની જાણકારી નથી.’જગતાપે એમ પણ જણાવ્યું છે કે ‘છોકરી સમજદાર હોવાને કારણે ઘરે લાવવાનો કોઈ પ્રયાસ પોલીસ નથી કરતી. છોકરી તેની ઇચ્છા મુજબનું જીવન જીવવા માંગે છે એ અમે સમજીએ છીએ.
છેલ્લા કેટલાક વર્ષોમાં તેની શોધ કરતી વખતે તેના પરિવારે ઘણું સહન કર્યું છે અને પરિવારને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન જ અમને ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મળી હતી. એમાં જણાવ્યા મુજબ રાજ્યમાં વર્ષોથી 18 વર્ષથી વધુ ઉંમરની લાપતા મહિલાઓની ભાળ નથી મળી.’આંકડાકીય માહિતી અનુસાર 2019માં 35 હજાર 990, 2020માં 30 હજાર 89 અને 2021માં 34 હજાર 763 મહિલાઓ ગુમ થઈ હતી અને હજુ સુધી તેમની ભાળ નથી મળી એમ અરજદારે અરજીમાં જણાવ્યું હતું. એડવોકેટ મંજીરી પારસનીસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં અરજદારે આક્ષેપ કર્યો છે કે મહિલાઓના ગુમ થવાની બાબતને ગંભીરતાથી નથી લેવામાં આવી રહી.