ખંભાત તાલુકાની સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરીનો શિરસ્તેદાર રૂા.૧,૦૦,૦૦૦/-ની લાંચ સ્વીકારતા આજરોજ એસીબીના હાથે ઝડપાઈ ગયો છે.જેને લઇ લાંચિયાઓ ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એસીબી વિભાગને ફરીયાદ કરનાર ફરિયાદીના મિત્રએ ખંભાત નગરપાલીકાના હસ્તકની સરકારી જમીન વેચાણથી ખરીદ કરવા સારૂ કલેકટરશ્રી આણંદ નાઓની કચેરી ખાતે ઓનલાઈન અરજી કરેલ હતી. જે પ્રક્રિયા સંદર્ભે કલેકટરશ્રી આણંદ નાઓની કચેરી તરફથી અરજીમાં જણાવેલ જમીનના રેકર્ડની ચકાસણી કરી સરકારશ્રીના નિયમો અનુસાર જરૂરી દસ્તાવેજો તૈયાર કરી સ્પષ્ટ અભિપ્રાય સાથે દરખાસ્ત કરવા સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી, ખંભાત નાઓને સુચના કરેલ. જે જમીન ફરીયાદીના મિત્રને વેચાણ લેવા સારુ તેની દરખાસ્ત તૈયાર કરાવવા તથા હકારાત્મક અભિપ્રાય અપાવવા માટે સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરીનો શિરસ્તેદાર પ્રિતેશકુમાર મનુભાઈ પટેલએ ફરીયાદી પાસે રૂ.૧,૦૦,૦૦૦/- ની લાંચની માગણી કરેલ.
પરંતુ ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ એટલે કે,તા.૨૩/૦૭/૨૦૨૪ ના રોજ આણંદ જિલ્લા ખંભાત તાલુકાની સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી, વહીવટી વિભાગમાં લાંચના છટકનું આયોજન કર્યું હતું,છટકા દરમ્યાન શિરસ્તેદાર પ્રિતેશકુમાર મનુભાઈ પટેલ ફરીયાદી પાસેથી લાંચના નાણાની માગણી કરી રૂ.૧,૦૦,૦૦૦/- સ્વીકારતા જિલ્લા એસીબી અને એસીબી ટીમના હાથે આબાદ ઝડપાઈ ગયો હતો.