ઇન્સ્ટાગ્રામ પર આપત્તિજનક ટિપ્પણી કરનાર સામે કાર્યવાહી : તાપી પોલીસે ઝુબેર શેખ નામના યુવકની ધરપકડ કરી

તાપી જિલ્લાના સોનગઢ પોલીસ મથકે એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના અનુસાર લોકોની ધાર્મિક લાગણી દુભાઈ તેવી એક ટિપ્પણી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર કરવામાં આવી હતી. જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ ટિપ્પણી થઈ હતી તે એકાઉન્ટ ધારકની ધરપકડ કરવામાં આવી છે.

આ અંગે પોલીસમાંથી મળતી માહિતી અનુસાર ગત 4 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસામાં એક ધાર્મિક સમુહ પર થઈ રહેલા અત્યાચારને લઈને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટ પર એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી ધાર્મિક લાગણી દુભાય તેવી એક ટિપ્પણી કરવામાં આવી હતી. જે મામલે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

કોમી શાંતિ ડહોળાય તેવી કોમેન્ટ કરનારા વ્યક્તિને વહેલી તકે જેલ હવાલે કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. આ કોમેન્ટ જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી કરાઈ હતી, તે એકાઉન્ટ ધરાવતા અને મૂળ સુરતના જૂના કોસંબામાં રહેતા ઝુબેર શેખ નામના યુવકની આ ફરિયાદના આધારે સોનગઢ પોલીસ અને સુરત LCB પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર મામલે તાપી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે 7 ડિસેમ્બરના રોજ એક ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં ઇન્સ્ટાગ્રામ રિલ્સ નીચે ઝુબેર શેખ નામની આઈડી પરથી કોઈ અન્ય ધર્મની લાગણી દુભાય તેવી એક બિભત્સ કોમેન્ટ કરવામાં આવી હતી. આ અંગેનો ગુનો સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે નોંધાતા તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

error: Content is protected !!