ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે, રાજ્યમાં લૂંટ, ધાડ, ચોરી, હત્યા, મારામારી, દુષ્કર્મ, દારૂ અને ડ્રગ્સની તસ્કરી જેવા ગુનાઓ વધતાં પોલીસ પર સવાલો ઊઠી રહ્યા છે, ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ રહ્યો નથી.
આ ઉપરાંત ૩૧ ડિસેમ્બર નજીક આવી રહી હોવાથી દારૂની પણ રેલમછેલ થઈ રહી છે, આ દારૂની તસ્કરી રોકવા માટે અમદાવાદ પોલીસ હરકતમાં આવી હોય તેમ રાતે કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરી હતી. જેમાં ૪૭૦થી વધુ પીધેલાને પકડી પાડ્યા હતા. જેમને મેડિકલ માટે લઈ જવામાં આવતાં સોલા અને અસારવા સિવિલમાં પીધેલાઓની લાઈનો લાગી હતી.
અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા માટે ઈન્ચાર્જ પોલીસ કમિશનરના આદેશથી ૨૫ નવેમ્બર રાતે ૧૧ કલાકથી ૨૬ નવેમ્બર સવારે ૫ વાગ્યા સુધી એટલે કે ૬ કલાક માટે કોમ્બિંગ નાઈટ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ માટે સમગ્ર શહેરમાં ઠેક-ઠેકાણે પોલીસના જવાનો બ્રેથ એનેલાઈઝર સહિતનાં સાધનો લઈને ચેકિંગ કરી રહ્યા હતા.પોલીસના જવાનોએ 21,223 વાહનનું કર્યું ચેકિંગ. આ ૬ કલાક દરમિયાન પોલીસના જવાનોએ કુલ ૨૧,૨૨૩ વાહનનું ચેકિંગ હાથ ધર્યું હતું. જ્યારે આ દરમિયાન ૪૭૦થી વધુ લોકો પીધેલા પકડાતાં તેમની સામે પ્રોહિબિશન ઍક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો હતો. જ્યારે મોટર વ્હીકલ ઍક્ટ મુજબ ૧૫૨, જી.પી. ઍક્ટ અંતર્ગત ૧૯૯ સામે કેસ દાખલ કર્યો હતો. જ્યારે ૧૬૮ ૫ લોકોને મેમો પકડાવવામાં આવ્યો હતો. તેમ જ એક જ રાતમાં ૧૨,૮૨,૨૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે ૧૭૦૦થી વધુ વાહનો ડિટેઈન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.