કોવીડ-19 પાનડેમિકના સમયગાળા દરમિયાન હેન્ડ સેનીટાઈઝર અને ફેસ માસ્ક જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવા બની ગયા હતાં. મેડીકલ સ્ટોર્સ પર સેનીટાઈઝર અને માસ્કનો સ્ટોક ખૂટી પડ્યો હતો. હવે ભારતમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) કેસ નોંધાયા છે, કેસની સંખ્યા સતત વધી રહી છે. અમદાવાદમાં પણ આ વાયરસનો એક કેસ નોંધાયો છે. લોકોની ચિંતામાં વધારો નોંધાયો છે, એવામાં અમદાવાદમાં સેનીટાઈઝર અને માસ્કની માગમાં મોટો ઉછાળો નોંધાયો છે.
સરકારે લોકોને HMPV સામે સાવચેતી દાખવવા અપીલ કરી છે. આ વાયરસના વધુ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઇ શકે છે. એવામાં રાજ્યની સંસ્થાઓ અને હોસ્પિટલો માસ્ક અને સેનીટાઈઝરનો સ્ટોક કરી રહી છે. જેને કારણે અમદાવાદ અને ગુજરાતમાં ફેસ માસ્ક અને સેનિટાઈઝરની માંગમાં 20 થી 30 ટકાનો વધારો નોંધાયો છે.
ગુજરાતના આરોગ્ય વિભાગના અધિકારીઓએ ખાતરી આપી છે કે HMPV થી ગભરાવાનું કોઈ કારણ નથી, છતાં, સંસ્થાઓ અને હોસ્પિટલો સાવચેતીના પગલા તરીકે માસ્ક અને સેનિટાઈઝરનો સ્ટોક કરી રહી છે, જોકે છૂટક માગ પહેલા જેટલી જ છે. ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના આગેવાને જણાવ્યું હતું કે, “માગ મુખ્યત્વે હોસ્પિટલો, સરકારી કચેરીઓ, કોર્પોરેટ કંપનીઓ જેવી સંસ્થાઓ તરફથી મળી રહી છે, ગુજરાતમાં માગમાં 20 ટકાનો વધારો થયો છે. જો કે અમદાવાદમાં 30 ટકા વધી છે.
જોકે, છૂટક ખાસ વધારો જોવા મળ્યો નથી.” અમદાવાદની એક જાણીતી હોસ્પિટલના પદાધિકારીએ જણાવ્યું કે કોવિડ-19 દરમિયાન હેન્ડ સેનીટાઈઝર અને ફેસ માસ્ક મેળવવામાં ઘણી મુશ્કેલીઓ પડી હતી, એ દરમિયાન ભાવ પણ ઊંચકાઈ ગયા હતાં. HMPVને કારણે હોસ્પિટલમાં દર્દીઓ અને મુલાકતીઓ માટે માસ્ક ફરજીત કરવામાં આવ્યા છે. ફરી સંભવિત તંગીની પરિસ્થિતિ ઉભી થઇ શકે છે, એટલે અત્યારથી સાવચેતીના ભાગરૂપે સ્ટોક ખરીદવામાં આવી રહ્યો છે.