‘ગાંજા કાંડ’ બાદ એર ઈન્ડિયા એક્શનમાં: તમામ પાયલોટનું ફરજિયાત ડ્રગ સ્ક્રિનિંગ

નવી દિલ્હી: ફ્લાઇટ AI2379માં બનેલી ટર્બ્યુલન્સની ઘટના બાદ એર ઈન્ડિયાએ પોતાના ગ્રૂપના તમામ પાયલોટનું ફરજિયાત સ્ક્રિનિંગ કરવાનો નિર્ણય લીધો છે. સ્ક્રિનિંગમાં પ્રતિબંધિત પદાર્થો અને દવાઓની તપાસ કરવામાં આવશે.

કંપનીના જણાવ્યા મુજબ, ગુરુગ્રામ એકેડેમી, ફ્લાઇટ બ્રીફિંગ સેન્ટર અને વિવિધ બેઝ લોકેશન પર પાયલોટોની ટ્રેનિંગ તથા ઉડાન બાદ સ્ક્રિનિંગ હાથ ધરાશે. એર ઈન્ડિયાનું કહેવું છે કે તે DGCAના નિયમોનું પહેલેથી પાલન કરે છે, પરંતુ મુસાફરોની સુરક્ષા અને વિશ્વાસ જાળવવા માટે નિયમોથી એક પગલું આગળ વધીને આ નિર્ણય લેવાયો છે.

ઉલ્લેખનીય છે કે, 4 ઓગસ્ટે દિલ્હી-ફુકેત ફ્લાઇટ AI2379માં તીવ્ર ટર્બ્યુલન્સ દરમિયાન વિમાન અચાનક લગભગ 300 ફૂટ નીચે આવ્યું હતું. આ ઘટનામાં 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. પાયલોટ દ્વારા પ્રતિબંધિત પદાર્થના સેવનના આક્ષેપોની પણ ચર્ચા થઈ છે, જોકે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. અકસ્માત તપાસ બ્યુરો (AAIB) દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

દરમિયાન, 11 ઓગસ્ટે એર ઈન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સને નાગરિક ઉડ્ડયન સચિવ સમીર કુમાર સિંહા સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ફ્લાઇટની ઘટનાને પગલે એરલાઇનના સુરક્ષા પ્રોટોકોલ અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

error: Content is protected !!