હવામાન વિભાગ દ્વારા તાપી જિલ્લામાં આગામી ત્રણ થી પાંચ દિવસો દરમ્યાન ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે તાપી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયું છે. કલેકટર ડૉ. વિપિન ગર્ગએ વહીવટી તંત્રના તમામ અધિકારીઓ-કર્મચારીઓને ફરજિયાત હેડક્વાર્ટર પર હાજર રહી આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સાવચેતી અને તકેદારીના પુરતા પગલાં લેવા જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લામાં એસ.ડી.આર.એફ ની ૨૨ જવાનોની ૦૧ ટીમ જિલ્લા મથક ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં આવેલ તમામ ફાયર ટીમ/આપદા મિત્રો જવાનોને એલર્ટ કરાયા છે.ઉકાઇ ડેમમાં વધુ પાણી આવકના સંજોગોમાં ડેમો સાઈડના/ડેમ કેચમેંટ વિસ્તાર અને નદી કિનારાના અને નીચાણવાળા વિસ્તારોમાં અસરગ્રસ્ત વિસ્તારના લોકોને સાવચેત કરવા સાથે જરૂર જણાય તો સલામત સ્થળે સ્થળાંતર કરવા તથા બચાવની કામગીરી કરવા પણ કલેકટર ડૉ. ગર્ગે જણાવ્યું હતું. ઉપરાંત, ભારે વરસાદના કારણે જો કોઈ નુકસાની જણાય તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમ ૦૨૬૨૬-૨૨૩૩૩૨ નંબર ઉપર જાણ કરવા જણાવાયું છે.