ગુજરાતમાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે વાતાવરણમાં બદલાવ આવ્યો છે. જેમાં છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ જેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જોકે, માવઠાની આગાહીને પગલે રાજ્યના ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.
ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા : રાજ્યના સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હાલ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તેમજ વાતાવરણમાં પલટાની સાથે જ વિવિધ વિસ્તારની અંદર વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ છે. બે દિવસ પહેલા જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડ્યો હતો. હાલ વિવિધ જિલ્લામાં પણ વરસાદ પડવાની આગાહી છે અને વિઝિબિલિટી ઝીરો થઈ રહી છે. તેમજ વાતાવરણીય પરિસ્થિતિને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
કારણ કે જો ધુમ્મસ ભર્યું વાતાવરણ રહેશે તો વિવિધ પાકને મોટી નુકસાની થવાની શક્યતા છે. જેમાં ધાણા, ચણા, ઘઉં તેમજ અન્ય ફળપાક અને બાગાયતી પાકમાં રોગ આવવાની શક્યતા છે. જો હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહી મુજબ વરસાદ પડશે તો જીરુનો પાક 100 ટકા નિષ્ફળ જશે.રાજ્યમાં રવિવારે અરવલ્લીના ભિલોડા અને મેઘરજમાં 2 મીમી અને બાયડમાં 1 મીમી કમોસમી વરસાદ નોંધાયો હતો. જયારે મોડાસામાં પણ વરસાદ પડ્યો હતો. આ વરસાદ અને વાતાવરણના માહોલના કારણે જિલ્લામાં શાકભાજી અને બાગાયતી પાકોમાં નુકસાનની ચિંતા ખેડૂતોમાં વ્યાપી રહી છે.