સફેદ રણમાં ચાલી રહેલા રણોત્સવને માણવા માટે દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતાં એક સમયે વેરાન ભાસતા ભુજ-ખાવડા ધોરીમાર્ગ પર જીવલેણ માર્ગ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. વિતેલા ૨૪ કલાક દરમ્યાન આ માર્ગ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના બે બનાવમાં એક માસૂમ બાળકીનું મોત નીપજ્યું છે અને ૭ લોકો ઘાયલ થયા છે.
ઘટના અંગે મળી રહેલી પ્રાથમિક માહિતી અનુસાર, બુધવારના સવારના ૯ વાગ્યાના સુમારે લોરિયા-વેંકરિયાના રણ વચ્ચે વડોદરા પાસિંગની હ્યુન્ડાઇ આઈ ૧૦ કાર બેકાબૂ બની એકથી વધારે પલટી ખાઈ જતાં તેમાં સવાર એક બાળકીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે અન્ય ચારથી પાંચ મુસાફરોને સામાન્યથી ગંભીર ઈજાઓ પહોંચતાં તમામ ઘાયલોને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ગત ઉત્તરાયણની મોડી સાંજે બીજો અકસ્માત ખાવડા માર્ગ પરના ગોરેવાલી નજીક સર્જાયો હતો જેમાં શ્વેત રણની મુલાકાત લઈ પરત ફરી રહેલી એક કારે એક મોટરસાઇકલ સવારને હડફેટે લીધો હતો. ટક્કર બાદ બેકાબુ બનેલી કાર ખાડામાં ખાબકી હતી અને વાહનચાલકને ગંભીર ઈજાઓ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.