અંજાર કોર્ટનો ૨૦ વર્ષ બાદ ચુકાદો : રેડિયોમાં વિસ્ફોટક ગોઠવી સાસરિયાંના પરિવાર પર હુમલો કરનાર પૂર્વ જમાઈને આજીવન કેદ

ભુજ: અંજાર તાલુકાના ચાંદ્રાણી (કોટડા) ગામની સીમમાં વર્ષ ૨૦૦૬માં રેડિયોમાં વિસ્ફોટક ગોઠવી સાસરિયાંના પરિવાર પર જીવલેણ હુમલો કરવાના ચકચારી કેસમાં અંજાર સેશન્સ કોર્ટે મુખ્ય આરોપી પૂર્વ જમાઈ લવજી સંગ્રામ કોળીને આજીવન સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ હેઠળ ₹૫૦ હજાર અને હત્યાના પ્રયાસ બદલ ૧૦ વર્ષની સખત કેદ તથા ₹૨૦ હજારનો દંડ ફટકાર્યો છે. દંડની રકમમાંથી ૫૦ ટકા રકમ પીડિતોને વળતર તરીકે ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. જ્યારે સહઆરોપી વણવીર રાઠોડને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ, ૨૩ જાન્યુઆરી, ૨૦૦૬ના રોજ ચાંદ્રાણીની સીમમાં વાડીના ભૂંગામાં મળેલો બિનવારસી રેડિયો શામજીભાઈ કોળીના પરિવાર માટે જીવલેણ સાબિત થયો હતો. રેડિયો ચાર્જિંગ બેટરી સાથે જોડીને સ્વિચ ચાલુ કરતાં જ પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેમાં પરિવારના છ સભ્યો ઘાયલ થયા હતા. આ ઘટનામાં ૧૦ વર્ષના શિવાએ બંને આંખોની દૃષ્ટિ ગુમાવી હતી, જ્યારે પરિવારની એક દીકરીની એક આંખને પણ ગંભીર નુકસાન થયું હતું.

પોલીસ તપાસમાં છૂટાછેડાની અદાવતને પગલે પૂર્વ જમાઈ લવજી કોળીએ વિસ્ફોટક ગોઠવી હુમલો કર્યાનું બહાર આવ્યું હતું. લાંબી કાનૂની કાર્યવાહી બાદ અદાલતે પુરાવા અને સરકારી વકીલની દલીલોને ધ્યાને લઈ આ ચુકાદો આપ્યો હતો. ( Courtesy )

error: Content is protected !!