દારૂબંધી મામલે સમજાવવા ગયેલા ગ્રામજનો પર હુમલો: સુબીરના ભોંડવિહિર ગામની ઘટના

સુબીર તાલુકાના ભોંડવિહિર ગામે દારૂબંધીના મુદ્દે ચાલી રહેલા વિવાદમાં ગત રાત્રે હિંસક અથડામણ થઈ હતી. ગામમાં દારૂ ગાળવાની પ્રવૃત્તિ બંધ કરાવવા ગયેલા આગેવાનો અને ગ્રામજનો પર ત્રણ શખ્સોએ લાકડીઓ અને ઢીક્કાપાટુ વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી પ્રમાણે ફરિયાદી સતીષભાઇ સોમાભાઇ પવારના જણાવ્યા અનુસાર, ગામમાં દારૂબંધી હોવા છતાં સ્થાનિક શખ્સ દ્વારા દારૂ બનાવવામાં આવતો હોવાની માહિતી મળતા ગામના આગેવાનો મંગળવારની રાત્રે આશરે ૧૦:૩૦ વાગ્યે શુકર્યાભાઇ પવારના ઘરે સમજાવવા ગયા હતા. આ દરમિયાન રામચંદભાઈ કોંજુભાઈ પવાર અને તેનો પુત્ર આકાશ ત્યાં આવી પહોંચ્યા હતા અને “અમે અમારી રીતે ભઠ્ઠી ચાલુ રાખીશું, તમે અમારું શું બગાડી લેશો?” તેમ કહી ઝઘડો કર્યો હતો. આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ લાકડીના સપાટા મારતા ફરિયાદી સતીષભાઇ અને અન્ય એક સાહેદ દેવુભાઇને માથા તેમજ ખભાના ભાગે ઇજાઓ પહોંચી હતી. અન્ય આરોપી શૈલેષભાઇ પવારે પણ સ્થળ પર આવી ગ્રામજનો સાથે હાથાપાઈ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાની જાણ ૧૧૨ પર કરાતા પોલીસની ગાડી ઘટનાસ્થળે દોડી આવી હતી, ત્યારબાદ ઇજાગ્રસ્તોને સુબીર CHC ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.સુબીર પોલીસે આ મામલે સતીષભાઇ પવારની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!