આજની યુવા પેઢીના માનસમાં વાસ્તવિક દુનિયાને બદલે સોશિયલ મીડીયા પરની આભાસી દુનિયા મહત્વની બની રહી છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ,ફેસબુક યુટ્યુબ,સ્નેપચેટ વગેરે પર દેખાડો કરવાનો ભારે શોખ જોવા મળે છે. જોકે આ ચક્કરમાં પોતે મોટી મુશ્કેલીમાં ફસાઈ જાય તેવા પણ બનાવો બને છે.કચ્છના અંજાર તાલુકાના એક યુવાનને બંધુક સાથે પડાવેલા ફોટાને સોશિયલ મીડીયા પર શેર કરવામાં આવતા પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો.
બનાવની મળતી વિગતો અનુસાર કચ્છના અંજાર તાલુકાના વીડી ગામમાં પોતાના નાનાની પરવાનાવાળી બંદૂક સાથે દોહિત્રાએ ફોટો પડાવ્યો હતો અને આ ફોટાને ફેસબુક પર શેર કરવામાં આવ્યો હતો. આ બાદ અંજાર પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો. ફેસબુક પર વટ પડાવવા માટે શેર કરવામાં આવેલ ફોટાને લીધે પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે.
આ બનાવ અંગે અંજાર પોલીસ મથકમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના હેડ કોન્સ્ટેબલ મયૂરસિંહ ઝાલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ફેસબૂકમાં અરવિંદ કોલી નામના શખ્સનો બંદૂક સાથેનો ફોટો જોવા મળતાં તેનો સ્ક્રીનશૉટ લઈને તપાસ કરવામાં આવી હતી.લોકેશન અને આઈ.પી એડ્રેસ ટ્રેસ કરીને વીડી ગામમાં રહેનારા અરવિંદ અભુ કોલીની પૂછપરછ કરવામાં આવી હતી.
પોલીસને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું ફોટામાંની બાર બોર ડબલ બેરલની બંદૂક તેની નહિ પણ તેના નાના વિશ્રામભાઇ નથુભાઇ કોલીની હોવાનું જણાવ્યું હતું અને વિશ્રામભાઇને ફોટા દેખાડતાં આ પરવાનાવાળી બંદૂક તેમની હોવાની કબૂલ્યું હતું.પોલીસે બન્ને વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી અને સોશિયલ મીડિયા પર વાઇરલ થવા સીન-સપાટા કરવાની હરકતોથી બચવા અપીલ કરી હતી.