E-20 વિવાદમાં ગ્રાહકને મોટી રાહત, કંપનીને નવી કાર આપવાનો આદેશ

છત્તીસગઢના રાયપુર જિલ્લા ગ્રાહક અદાલતે E-20 પેટ્રોલ વિવાદમાં એક કાર કંપની અને તેના સ્થાનિક ડીલરને દોષિત ઠેરવી ગ્રાહકને તે જ મોડલની E-20 સપોર્ટ કરતી નવી કાર આપવા આદેશ કર્યો છે.

અદાલતે જણાવ્યું કે 45 દિવસમાં નવી કાર નહીં અપાય તો કંપનીએ કારની કિંમત, RTO અને વીમા સહિત કુલ રૂ.20.50 લાખ પર 7 ટકા વાર્ષિક વ્યાજ ચૂકવવું પડશે. ઉપરાંત માનસિક હેરાનગતિ બદલ ₹1 લાખ અને કેસ ખર્ચ પેટે ₹10 હજાર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.ફરિયાદી ડૉ. પ્રેમરાજ દેવતાએ જૂન 2024માં કાર ખરીદી હતી. કારનું એન્જિન વારંવાર બંધ થતું હોવાથી કંપનીએ વોરંટી હેઠળ સમારકામ કરવાનો ઇનકાર કરી રૂ.5.30 લાખનો ખર્ચ માંગ્યો હતો.

તપાસ દરમિયાન ખુલ્યું કે ગ્રાહકને જાન્યુઆરી 2023માં બનેલી, એટલે કે લગભગ 17 મહિના જૂની કાર નવી તરીકે વેચાઈ હતી અને તે E-20 પેટ્રોલ માટે યોગ્ય પણ નહોતી. અદાલતે ગ્રાહક સાથે છેતરપિંડી અને સેવામાં ખામી ગણાવી કંપની વિરુદ્ધ આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.

error: Content is protected !!