હજીરાની એએમએનએસ કંપની સામે સૌથી મોટી કાર્યવાહી : મામલતદારે કંપનીને ફટકાર્યો 18 કરોડનો દંડ

સુરત જિલ્લા કલેક્ટર દ્વારા નેશનલ હાઈવે અને સરકારી જમીનો પર થયેલા દબાણને દૂર કરવા માટે છેલ્લા ત્રણ દિવસથી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ વર્ષોથી સરકારી જમીન પર દબાણ કરનારી હજીરાની એએમએનએસ કંપની સામે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ બાદ સરકારે કંપનીને 80 હજાર ચોરસ મીટરમાં દબાણ કરવા બદલ રૂ. 18 કરોડનો દંડ ફટકારીને જગ્યા ખુલ્લી કરી હતી. તે ઉપરાંત અન્ય નાના-મોટા દબાણો દુર કરી 52 હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ હતી.

સુરતના હજીરામાં સ્ટીલનું ઉત્પાદન કરતી એએમએનએસ કંપનીએ વર્ષોથી હજારો એકર સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કર્યું હતું. સ્થાનિકોએ આ અંગે તત્કાલિન કલેક્ટર સામે અનેક રજૂઆતો કરી હતી. ત્યાર બાદ કલેક્ટરે મામલતદારને તપાસના આદેશ આપ્યા હતાં. જેમાં જાણવા મળ્યું હતું કે એએમએનએસ કંપની દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું હતું. આ મામલે ચોર્યાસી વિસ્તારના મામલતદાર સમક્ષ 18 કેસ આવ્યા હતાં અને તેમાંથી 10 કેસ એએમએનએસ કંપની વિરૂદ્ધ સાબિત થયા હતાં.

મામલતદારે કંપનીને ફટકાર્યો 18 કરોડનો દંડ : મામલતદાર દ્વારા કરાયેલી તપાસમાં સાબિત થયું હતું કે, કંપનીએ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો હતો. જેથી મામલતદારે કંપનીને 18 કરોડ રૂપિયા દંડ ફટકાર્યો હતો. દબાણની કાર્યવાહી અંતર્ગત હજીરા, ઉધના, પાંડેસરા અને શહેરના અન્ય ઉદ્યોગ વિસ્તારોમાં પણ સરકારી જમીન પર કબજો કરનારા મોટા ઉદ્યોગો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે. મામલતદાર નિરવ પારિતોષીએ જણાવ્યું હતું કે, સ્થળ તપાસ દરમિયાન 18 જેટલા કેસ કરવામાં આવ્યા હતા અને હજી વધુ કેસો કરવામાં આવી રહ્યા છે. જેમાં 08થી 10 કેસોના નિર્ણય લેવાયા છે. જેમાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ રૂ. 18 કરોડ દંડ કરાયો છે અને 80,000 ચોરસ મીટર જમીનમાંથી દબાણ હટાવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં સરકારી જમીન પર દબાણ કરનારા વિરુદ્ધ વધુ મેગા ડિમોલિશન અને દંડ ફટકારવાની કાર્યવાહી ચાલુ રહેશે.

 

error: Content is protected !!