વ્યારાનાં તાડકુવા ગામની સીમમાંથી પસાર થતાં નવાપુર સુરત નેશનલ હાઈવે પર ટ્રેક્ટર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર નવ વર્ષીય બાળકનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું, જયારે બાઈક ચાલકને ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, વ્યારાનાં બેડકુવાનજીક ગામનાં પટેલ ફળિયામાં રહેતા પ્રફુલભાઈ ફતેસીંગભાઈ ગામીત નાંઓ ગત તારીખ ૧૯/૧૧/૨૦૨૪નાં રોજ તાડકુવા ગામની સીમમાંથી પસાર થતાં નવાપુર સુરત નેશનલ હાઈવે પર પોતાના કબ્જાનું ટ્રેક્ટર જીજે/૨૨/એ/૬૮૧૯ને રોંગ સાઈડ ઉપર હંકારી લાવી રહ્યા હતા. તે સમયે ભાવેશભાઈ ભરતભાઈ ગોહેલ નાંઓ પોતાના કબ્જાની બાઈક નંબર જીજે/૨૬/ડી/૮૦૪૫ પર જીજ્ઞેશકુમાર જયંતીભાઈ સરવૈયા (રહે.સાંઈ ધામ સોસાયટી, રોયલ રેસીડેન્સીની પાછળ, કામરેજ, સુરત)નો નવ વર્ષીય છોકરો દક્ષને આગળ બેસાડી લાવતો હતો. તે દરમિયાન ટ્રેકટર ચાલકે ભાવેશભાઈની બાઈકને આગળનાં ભાગે અથડાવી દેતાં અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં બાઈક ચાલક ભાવેશભાઈને માથાનાં ભાગે ગંભીર ઈજા તથા ડાબા હાથમાં ઈજા અને શરીરે નાની-મોટી ઈજા પહોંચી હતી જયારે તેમની સાથે સવાર દક્ષને માથાનાં ભાગે ગંભીર ઈજા તથા શરીરે નાની-મોટી ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. બનાવ અંગે જીજ્ઞેશકુમાર જયંતીભાઈ સરવૈયા એ ટ્રેકટર ચાલક વિરુદ્ધ કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.