ગાંધીનગર જિલ્લાના માણસામાં તાલુકા પંચાયતનો વર્ક મેનેજર લાંચ લેતા રંગેહાથે ઝડપાયો હતો. આરોપીએ આવાસ યોજનાના હપ્તા માટે લાંચ માંગી હતી. ACBએ આરોપી કર્મચારી ઝંખીત રાવળને 3500 રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગાંધીનગર જિલ્લાના માણસામાં તાલુકા પંચાયતનો વર્ક મેનેજર ઝંખીત રાવળે ફરિયાદીના પિતાના નામે સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મંજુર થયેલા મકાન બનાવવા ફરીયાદીના પિતાના બેંક ખાતામાં 50 હજારનો હપ્તો જમા કરાવવાના અવેજ પેટે લાંચની માંગ કરી હતી.
આરોપી વર્ક મેનેજરે લાંચ માંગતા ફરિયાદી લાંચ આપવા તૈયાર નહીં હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. જેથી આજે ACBએ લાંચિયા કર્મચારીને પકડી પાડવા માટે છટકુ ગોઠવ્યું હતું. આ છટકા દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે વાતચીત કરી લાંચના નાણાં સ્વીકાર્યા હતાં. જેથી ACBએ તેને લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યો હતો.