તાપી જિલ્લામાં ખેડૂતોને સરકાર દ્વારા મફતમાં આપવામાં આવતી “નિદર્શન કીટ સહાય યોજના-૨૦૨૬” અંતર્ગત ડાંગર અને જુવારના બિયારણ મેળવવા માટે લાંચ માંગવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.તાપી એસીબીએ ગોઠવેલા સફળ ટ્રેપમાં ગ્રામસેવક સહિત બે વ્યક્તિઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ, ડોસવાડા સેજાના ગ્રામસેવક જીવણભાઈ બીટીયાભાઈ ગામીતે એક ખેડૂત પાસેથી મફત બિયારણ આપવાના બદલામાં ડાંગર માટે રૂ.૩૦૦ અને જુવાર માટે રૂ.૩૫૦ મળી કુલ રૂ.૬૫૦ની લાંચની માંગણી કરી હતી. આરોપીએ આ રકમ સોનગઢની બજરંગ એગ્રો એજન્સી ખાતે જમા કરાવવા જણાવ્યું હતું.લાંચ આપવા ઇચ્છા ન ધરાવતા જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક કરતાં અધિકારીઓએ છટકું ગોઠવ્યું હતું.
ટ્રેપ દરમિયાન અક્ષય રાજેન્દ્રભાઈ કેરલે ફરીયાદી પાસેથી રૂ.૬૫૦ની લાંચ સ્વીકારી હતી. ત્યારબાદ એસીબીની ટીમે કાર્યવાહી કરી બંને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ સમગ્ર ટ્રેપ કામગીરી તાપી એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. ગામીતના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.





