અમરેલી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના બની હતી. ધારીના મીઠાપુર ગામમાં લગ્નના એક દિવસ પહેલા જ વરરાજાને દુલ્હનના પ્રેમીએ રહેંસી નાંખ્યો હતો. જેને લઈ ચકચાર મચી ગઈ હતી. મૃતક યુવકના પરિવારજનોએ આક્રંદ કર્યું હતું. મૃતકના ભાવિ પત્નીના પ્રેમીએ પ્રેમના આવેગમાં આવીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.
શું છે સમગ્ર મામલો : ધારીના મીઠાપુર ગામમાં વિશાલ મકવાણા નામના યુવકની લગ્નના એક દિવસ પહેલાં જ હત્યા કરવામાં આવી હતી. લગ્નની આગલી સાંજે વિશાલની ભાવિ પત્નીના પ્રેમી સોએબ સમા નામના વ્યક્તિએ તેને ગામની સીમમાં બોલાવ્યો હતો. વિશાલ ત્યાં પહોંચ્યો બાદમાં તેની હત્યા કરી દેવાઈ હતી. આ પહેલાં પણ સોએબે વિશાલને આ પ્રકારની જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી પરંતુ, તેને ગંભીરતાથી લીધી નહોતી. મૃતકના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીની મિનિટોમાં જ આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે પ્રેમ પ્રકરણ કે અન્ય કારણસર હત્યા કરી તેની પૂછપરછ શરૂ કરી હતી. બનાવના પગલે ગામમાં મૃતકના પરિવાર તેમજ તેની ભાવિ પત્નીના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને હૈયાફાટ રૂદન કર્યું હતું. મૃતકના કાકાના કહેવા મુજબ, આરોપીએ તેના ભત્રીજાને માથામાં પાઇપના અને છરીના ઘા માર્યા હતા. જેના કારણે તેનું મોત થયું હતું.