Budget 2026-27 : આ બજેટ ‘ફેંક અને લપેટવા’ જેવું :- કોણે કહ્યું? કેન્દ્રીય બજેટ પર પક્ષ વિપક્ષના નેતાઓને પ્રતિક્રિયાઓ સામે આવી

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ સતત 9મી વખત કેન્દ્રીય બજેટ રજૂ કરીને નવો રૅકોર્ડ બનાવ્યો છે. 85 મિનિટના બજેટ ભાષણમાં તેમણે 7 હાઇ-સ્પીડ રેલ કોરિડોર, 3 નવા AIIMS અને કેન્સરની દવાઓ સસ્તી કરવાની જાહેરાત કરી છે. આ બજેટમાં MSME, સેમિકન્ડક્ટર, આયુષ સંસ્થા અને મેડિકલ ટુરિઝમ હબ જેવા ક્ષેત્રોમાં વ્યૂહાત્મક રોકાણની દરખાસ્ત કરવામાં આવી છે.

ખેડૂતો માટે બહુભાષી AI ટૂલ અને નાના કરદાતાઓ માટે ઓટોમેટેડ પ્રક્રિયા લાગુ કરવામાં આવશે. સાથે જ સોલર એનર્જી, માઇક્રોવેવ અને ટેક્સટાઇલ નિકાસને પ્રોત્સાહન આપવા માટે કસ્ટમ ડ્યુટીમાં ફેરફાર કરાયા છે. ત્યારે હવે કેન્દ્રીય બજેટ 2026-27 પર પક્ષ વિપક્ષના નેતાઓને પ્રતિક્રિયાઓ સામે આવી છે.

વડાપ્રધાન મોદીએ બજેટની પ્રશંસા કરતાં કહ્યું કે, ‘આ બજેટ 2047 સુધીના વિકસિત ભારતના લક્ષ્ય માટે મજબૂત પાયો છે. ભારતની સુધારાની ગતિને આનાથી નવી ઊર્જા મળશે. તેમણે ઉમેર્યું કે ભારત હવે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. આ બજેટ મહિલા શક્તિના સશક્તિકરણનું પ્રતીક છે અને આજના સપનાઓને વાસ્તવિકતામાં બદલવાનું કામ કરશે.’

વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ બજેટ પર કહ્યું કે તેઓ આવતીકાલે સંસદમાં આ બાબતે વિગતવાર વાત કરશે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘યુવાનો બેરોજગાર છે, ઉત્પાદન ઘટી રહ્યું છે, રોકાણકારો મૂડી પાછી ખેંચી રહ્યા છે, સ્થાનિક બચત ઘટી રહી છે, ખેડૂતો સંકટમાં છે, વૈશ્વિક આંચકા આવી રહ્યા છે, બધાને અવગણવામાં આવ્યા છે. આ એક એવું બજેટ છે જે વાસ્તવિક કટોકટીઓને સંબોધવાને બદલે તેમને નજરઅંદાજ કરે છે.’

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, ‘મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થ, ટૂરિઝમ અને AI જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરતું આ બજેટ દરેક ગામ અને શહેરના યુવાનો, મહિલાઓ અને ખેડૂતોના સપના પૂરા કરશે.’ તેમણે આ બજેટને આગામી 25 વર્ષનો રોડમેપ ગણાવ્યો છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આકરા પ્રહાર કરતાં કહ્યું કે ‘આ બજેટમાં બંગાળને એક રૂપિયો પણ આપવામાં આવ્યો નથી.’ તેમણે તેને મહિલા, ખેડૂત અને શિક્ષણ વિરોધી ‘હમ્પ્ટી-ડમ્પ્ટી’ બજેટ ગણાવ્યું. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર માત્ર જીએસટી વસૂલે છે પણ રાજ્યોને તેમનો હક આપતી નથી.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આકરા પ્રહાર કરતાં કહ્યું કે ‘આ બજેટમાં બંગાળને એક રૂપિયો પણ આપવામાં આવ્યો નથી.’ તેમણે તેને મહિલા, ખેડૂત અને શિક્ષણ વિરોધી ‘હમ્પ્ટી-ડમ્પ્ટી’ બજેટ ગણાવ્યું. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર માત્ર જીએસટી વસૂલે છે પણ રાજ્યોને તેમનો હક આપતી નથી.

નિતિન ગડકરીએ જણાવ્યું કે ‘આ બજેટના કેન્દ્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. કનેક્ટિવિટી અને મેન્યુફેક્ચરિંગ ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરીને વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની દિશામાં આ એક નિર્ણાયક ડગલું છે.’

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે કહ્યું કે ‘મને આશા હતી કે કેરળમાં આયુર્વેદ સંસ્થા મળશે, પરંતુ બજેટમાં કેરળનું નામ જ સાંભળવા મળ્યું નથી, જે આશ્ચર્યજનક છે.’

યુપીના સીએમ યોગી આદિત્યનાથે બજેટને આશાઓનું પ્રતીક ગણાવ્યું. તેમણે કહ્યું કે ‘આયુષ, આરોગ્ય અને મહિલાઓ માટે દરેક જિલ્લામાં હોસ્ટેલની સુવિધા જેવી જાહેરાતો અર્થતંત્રને નવી ગતિ આપશે.’

સપા નેતા અખિલેશ યાદવે કહ્યું કે ‘આ બજેટ કોઈને રાહત આપનારું નથી. જો આવી જ સ્થિતિ રહી તો સોનાને બદલે પિત્તળના ઘરેણાં પહેરવા પડશે.’

કેન્દ્રીય મંત્રી લલન સિંહે કહ્યું કે ‘આ બજેટ ગરીબ, મહિલા અને ખેડૂત પર કેન્દ્રિત છે. ભારત પશુપાલન ક્ષેત્રે વિશ્વમાં પ્રથમ સ્થાને છે અને આ બજેટમાં પશુ ચિકિત્સાની માળખાગત સુવિધાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.’

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે વિપક્ષને સવાલ કર્યો કે ‘તેમને આ બજેટમાં શું તકલીફ છે? શું તેઓ નથી ઇચ્છતા કે MSME ક્ષેત્ર પ્રગતિ કરે અથવા ખેડૂતોનું ભવિષ્ય ઉજ્જવળ બને?’ તેમણે વિપક્ષને કોઈ નક્કર મુદ્દા પર વાત કરવા પડકાર ફેંક્યો હતો.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ‘ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ) પર વિશેષ ભાર મૂકીને વિકસિત ભારતનો પાયો નખાયો છે. રેલવે માટે 7 નવા હાઇ-સ્પીડ કોરિડોર અને દક્ષિણ ભારતમાં ખાસ રેલવે ટ્રાયેન્ગલ બનાવવામાં આવશે. ડેટા સેન્ટરો પર કર મુક્તિ અને ‘ઓરેન્જ ઈકોનોમી’ દ્વારા 20 લાખ રોજગારીની તકો ઊભી થશે.’

સાંસદ કંગના રનૌતે બજેટની પ્રશંસા કરતા કહ્યું કે ‘હિમાચલ પ્રદેશના મગફળી પકવતા ખેડૂતોને જે પ્રોત્સાહનની જરૂર હતી તે આ બજેટમાં મળ્યું છે.’

ટીએમસી સાંસદ શત્રુઘ્ન સિન્હાએ બજેટને ‘ફેંક અને લપેટવા’ જેવું ગણાવ્યું. તેમણે કહ્યું કે ‘આમાં રોજગારી કે ખેડૂતોના કલ્યાણ માટે કોઈ નક્કર યોજના નથી અને તે વિકસિત ભારત માટેનું બજેટ નથી. બજેટ રેટિંગ આપવાને પાત્ર નથી.’

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ બજેટને ‘સુધાર એક્સપ્રેસ’ ગણાવ્યું અને કહ્યું કે ‘વિપક્ષની ટીકા માત્ર રાજકારણ પ્રેરિત છે. આ બજેટ દેશના સામાન્ય માણસના વિકાસ માટે છે.’

AAP નેતા માલવિંદર સિંહે બજેટને નિરાશાજનક ગણાવતાં કહ્યું કે ‘મોંઘવારી રોકવા માટે કંઈ નથી. તેમણે આરોપ લગાવ્યો કે બજેટમાં પંજાબનો ઉલ્લેખ નથી અને માત્ર ચૂંટણીવાળા રાજ્યો પર જ ધ્યાન અપાયું છે.’

પૂર્વ IPS કિરણ બેદીએ કહ્યું કે ‘બજેટમાં સરકારી ખર્ચની મોટી રકમ ફાળવાઈ છે, પરંતુ અસલી પડકાર એ છે કે સરકારી અધિકારીઓ અને ખાનગી ક્ષેત્ર આ નાણાંનો સાચો ઉપયોગ કેવી રીતે કરે છે.’

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે ‘આ બજેટમાં રમતગમત ક્ષેત્રે મજબૂત ઈકોસિસ્ટમ બનાવવા અને રમતગમતની સામગ્રીના ઉત્પાદનનું હબ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.’

સાંસદ રામદાસ અઠાવલેએ બજેટને ક્રાંતિકારી ગણાવ્યું અને કહ્યું કે ‘તે સમાજના દરેક વર્ગને સામાજિક અને આર્થિક ન્યાય પ્રદાન કરશે.’

હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈનીએ બજેટને ઐતિહાસિક દસ્તાવેજ ગણાવ્યું, જે ગતિ, ક્ષમતા અને સર્વસમાવેશી વિકાસના સ્તંભો પર આધારિત છે.

સીએમ રેખા ગુપ્તાએ કહ્યું કે ‘આ બજેટમાં સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને પર્યટન ઉદ્યોગના વિકાસ પર ધ્યાન આપીને યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવામાં આવી છે.’

એમપીના સીએમ મોહન યાદવે જણાવ્યું કે ‘બજેટમાં ગરીબ, યુવા, ખેડૂત અને મહિલાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે, જે ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનાવશે.’

error: Content is protected !!