સુરતમાં બિલ્ડરને ગોંધી રાખી જબરદસ્તી મિલકત પચાવી પાડી : બેઝબોલના ફટકાથી ઢોર માર મારવામાં આવ્યો

સુરતમાં બિલ્ડરને ગોંધી રાખી જબરદસ્તી મિલકત પચાવી પાડવાની ઘટના સામે આવી છે. જેમાં શહેરના લાલગેટ-રાણીતળાવ વિસ્તારમાં રહેતા બિલ્ડરને કોંગ્રેસના પૂર્વ મહામંત્રી સહિત છ થી સાત લોકોએ નાણાંકીય લેતીદેતીના હિસાબ માટે બોલાવ્યો અને ત્રણથી ચાર ઠેકાણે ગોંધી રાખ્યો. બાદમાં તેને બેઝબોલના ફટકાથી ઢોર માર મારવામાં આવ્યો. આ સિવાય બિલ્ડર પાસેથી બે ફ્લેટ સહિતની મિકલત લખાવી લીધી તેમજ પરિવારના સભ્યોના નામવાળા કોરા ચેક પર સહી કરાવી તેમજ 2 લાખથી વધુના દાગીના પણ પડાવી લેવામાં આવ્યા હતાં. સમગ્ર મામલે હાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

લાલગેટ-રાણીતળાવના કાઝી પેલેસમાં રહેતા 35 વર્ષીય બિલ્ડર મોહમદ ઉમર મહોમ્મદ ઝુબેર પિલાને જાન્યુઆરી 2018 મિત્ર સોએબ મેવાવાલાએ યાકુબ સોની હસ્તક લાજપોરની જમીનનો 13 કરોડ રૂપિયામાં સોદો કર્યો હતો. પેમેન્ટ પેટે ઉમરે મિત્ર અને સગાસંબંધી પાસેથી ઉછીના લઈ 7 કરોડ રૂપિયા ચુકવ્યા હતા. પરંતુ, યાકુબે જમીનનો કબ્જો અપાવ્યો ન હતો. બીજી તરફ મિત્ર અને સંબંધીઓએ ઉઘરાણી કરતા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી એવા રઉફ ઉર્ફે રઉફ બોમ્બેવાલા હસ્તક સોએબ મેવાવાલા પાસેથી એપ્રિલ 2019માં 15 ટકાના વ્યાજે 1.50 કરોડ રૂપિયા લીધા હતા. વ્યાજ અને મુદ્દલની રકમ ઉમર ટુકડે-ટુકડે ચુકવતો હતો. પરંતુ, સોએબે પઠાણી ઉઘરાણી શરૂ કરી માથાભારે મહેતાબ ભૈયા હસ્તક રાણીતળાવ સામે સાદ પેલેસના ફ્લેટનો કબ્જો લઇ લીધો હતો.

હિસાબ સંપૂર્ણ ચુકતે થયો ન હોવાથી સોએબે ઉઘરાણી ચાલુ રાખી હતી અને એપ્રિલ 2023માં હિસાબ કરવાના બહાને સોએબે ઉમરને યાકુબ સોનાના સોની સ્ટ્રીટ ખાતેની ઓફિસે બોલાવ્યો હતો. જયાં સોએબ, યાકુ ઉસામા નાલબંધ, રઉફ બોમ્બેવાલા, મેહતાબ ભૈયા અને તેના સાથીદારોએ ગોંધી રાખી બેઝબોલના ફટકા વડે માર માર્યો હતો. તેને અડાજણ-બોમ્બે કોલોનીના રૂમમાં તથા ઝાંપાબજાર-અલ ખલીલ ટી સેન્ટરની ઉપરના રૂમમાં ગોંધી રાખી ઢોર માર માર્યો હતો. આ ઉપરાંત લાલગેટના સાદ પેલેસના બે ફ્લેટ આસીફ હકીમ (હકીમચીચી)ના નામે હોવાથી તેના ઘરે લઈ જઈ સોએબના નામે કરાવી લીધા હતા.ત્યારબાદ તેને ફરી યાકુબની ઓફિસે લઈ જઈ માર માર્યો હતો અને બાદમાં ઉમરના ઘરે લઈ જઈ તેના પરિવારના સભ્યોના નામના બેન્ક એકાઉન્ટના સહીવાળા કોરા ચેક, પાસપોર્ટ તથા 2 લાખ રૂપિયાની કિંમતના દાગીના પડાવી લઈ ધમકી આપી હતી કે જો કોઈને જાણ કરશે અથવા ફરિયાદ કરશે તો પરિવારના સભ્યોની પણ તારા જેવી હાલત કરીશું.

error: Content is protected !!