સુરતના સૈયદપુરા વરીયાવી બજારમાં રવિવારે રાત્રે શ્રીજીના પંડાલ પાસે પથ્થરમારો થતાં વાતાવરણ તંગદીલીભર્યું બન્યું હતું. જે બાદ અસામાજિક તત્વોએ વાહનોમાં આગ ચાંપી પણ કરી હતી. ત્યારબાદ પોલીસ એક્શનમાં આવીને કાર્યવાહી કરીને 27 લોકોની ધરપકડ કરી છે. ત્યારે હવે પોલીસ બાદ મનપા એક્શનમાં આવ્યું છે.સૈયદપુરા પોલીસ ચોકી નજીક કે મનપાએ એક્શન લીધા છે. ગેરકાયદે બાંધકામો સામે બુલડોઝર ફેરવાયું છે. આ દરમિયાન ગતરોજ બનેલી ઘટના બાદ હોબાળો ન થાય તે માટે મોટી સંખ્યામાં પોલીસ બળ ગોઠવી દેવાયું હતું.
બનાવની વિગતો જોઈએ તો, સુરત શહેરમાં ગઈકાલે રાત્રે ગણેશ પંડાલમાં પથ્થરમારાની જે ઘટના બની હતી તે બાદ સુરત પોલીસે તરત જ એક્શન લીધા હતા. જેમાં 27 જેટલા અસામાજિક તત્વોને પકડી લીધા હતા. આ ઘટના બાદ હવે સુરત પોલીસની સાથે સાથે મનપા પણ એક્શનમાં આવી ગયું છે. સુરત મહાનગર પાલિકાએ ગેરકાયદેસર દબાણો દૂર કરવાનું ચાલુ કર્યું છે. સૈયદપુરા પોલીસ ચોકી નજીક ગેરકાયદેસર દબાણ ઉપર બુલડોઝર ફેરવાયું છે. જે પણ ગેરકાયદે લારી ગલ્લા તે તમામને હટાવી દેવામાં આવ્યા છે.
આ બજારમાં ઘણા સમયથી ગેરકાયદે બાંધકામ અને લારી-ગલ્લા જોવા મળતા હતા. જેના કારણે ટ્રાફિકની સમસ્યા, રાહદારીઓ માટે રસ્તો ન હોવો, નાના-મોટા અકસ્માત થવા જેવા બનાવો બનતા હતા. લોકોએ પણ આ વિસ્તારને લઈને અનેક ફરિયાદો તંત્ર સમક્ષ રજૂ કરી હતી. જે બાદ સોમવારે તંત્ર દ્વારા તમામ ગેરકાયદે બાંધકામ સામે લાલ આંખ કરીને બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.પહેલા ગેરકાયદે દબાણો દૂર કરાયા હતા ત્યારબાદ બુલડોઝરથી વધારાના સ્ટ્રક્ચર દૂર કરાયા છે.જણાવી દઈએ કે, આ કામગીરી દરમિયાન સુરત મહાનગરપાલિકાની સાથે સુરત પોલીસનું પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયું હતું.ગણેશ પંડાલમાં બનેલી ઘટના બાદ હોબાળો ન થાય તેને ધ્યાનમાં રાખતા આ પગલાં લેવામાં આવ્યા હતા.