હાલના ટેક્નોલોજી વાળા યુગમાં તમામ લોકો સરળતાથી મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને પોતાની તમામ જરૂરિયાતની વસ્તુઓ અને અન્ય કામ કરે છે. ત્યારે કોઈ અજાણી જગ્યા પર પહોંચવા માટે પણ મોટાભાગે લોકો GPS સિસ્ટમનો ઉપયોગ કરતા હોય છે.
જો કે GPS સિસ્ટમ પર આધાર રાખીને ગંતવ્ય સ્થાન સુધી પહોંચવાનો પ્રયત્ન કોઈના જીવનની અંતિમ ક્ષણ પણ બની શકે છે. ઉત્તર પ્રદેશમાં આવો જ એક અકસ્માત સામે આવ્યો છે. GPSમાં બતાવી રહેલા રોડ પર એક કાર અકસ્માતનો શિકાર બની છે. જેના કારણે લગ્ન પ્રસંગમાં જઈ રહેલી કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ મિત્રોના મોત નીપજ્યા હતા. પરિવારજનોનો દાવો છે કે અકસ્માત જીપીએસ સિસ્ટમના કારણે થયો છે. કારણ કે કાર જીપીએસમાં બતાવી રહેલા રસ્તા પર જ જઈ રહી હતી.
અકસ્માત અંગે પોલીસે જણાવ્યું કે રવિવારે રામગંગા નદીમાં પુલ પરથી કાર પડી જતાં ત્રણ લોકોના મોત થયા હતા. પોલીસને શંકા છે કે જીપીએસ સિસ્ટમના કારણે ડ્રાઈવર અસુરક્ષિત માર્ગ પર ગયો હતો. ખાલપુર-દાતાગંજ રોડ પર સવારે લગભગ 10 વાગ્યે આ અકસ્માત થયો, જ્યારે પીડિતો બદાઉન જિલ્લાના બરેલીથી દાતાગંજ જઈ રહ્યા હતા.
આ મામલે સર્કલ ઓફિસર આશુતોષ શિવમે જણાવ્યું હતું કે આ વર્ષની શરૂઆતમાં પૂરના કારણે પુલનો આગળનો ભાગ નદીમાં પડી ગયો હતો, પરંતુ સિસ્ટમમાં આ ફેરફાર અપડેટ કરવામાં આવ્યો ન હતો. પોલીસે જણાવ્યું હતું કે ડ્રાઈવર નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યો હતો અને તેને ખ્યાલ નહોતો કે પુલ અસુરક્ષિત છે, જેના કારણે કાર ક્ષતિગ્રસ્ત ભાગ પરથી નીચે પડી ગઈ હતી.
શિવમે કહ્યું કે ક્ષતિગ્રસ્ત પુલના માર્ગ પર કોઈ સલામતી અવરોધો અથવા ચેતવણી ચિહ્નો નહોતા, જેના કારણે જીવલેણ અકસ્માત થયો છે. માહિતી મળતાં જ ફરીદપુર, બરેલી અને દાતાગંજ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જે બાદ વાહન અને મૃતદેહોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
પોલીસે જણાવ્યું કે, ગામના લોકોએ કાર પુલ પરથી પડી હોવાની જાણ કરી હતી. જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહોને બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચેલા પરિવારજનોએ એવો પણ દાવો કર્યો છે કે કારમાં મુસાફરી કરી રહેલા તમામ લોકો જીપીએસ પર ભરોસો કરી રહ્યા હતા. જ્યારે ટ્રેન બ્રિજ પર જઈ રહી હતી, ત્યારે અચાનક બ્રિજ અડધો થઈ ગયો હતો. જેના કારણે કાર નદીમાં કેટલાય ફૂટ ખાબકી હતી. પરિવારના સભ્યો પણ આ મામલે વિભાગીય અધિકારીઓને જવાબદાર ઠેરવી રહ્યા છે, કારણ કે બ્રિજ અધૂરો રહી ગયો હતો અને બેરીકેટ્સ લગાવવામાં આવ્યા ન હતા.