મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા પાલનપોર સ્થિત સેવન સ્ટેપ સ્કૂલ ખાતે ‘મહિલા સુરક્ષા દિવસની ઉજવણી

મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા શહેરના પાલનપોર સ્થિત સેવન સ્ટેપ સ્કૂલ ખાતે ‘નારી વંદન ઉત્સવ-૨૦૨૪’ અંતર્ગત મહિલા સુરક્ષા દિનની ઉજવણી કરાઇ હતી. જેમાં ધો.૬ થી ૧૨ના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા સાયબર ક્રાઇમ વિષે તેમજ મહિલાઓ અને બાળકો માટેના વિવિધ કાયદાઓ અંગેની જાણકારી આપવામાં આવી હતી. સાથે જ માર્શલ આર્ટ કોચ દ્વારા તેઓને સ્વરક્ષણની વિવિધ ટેકનિક શીખવાડવામાં આવી હતી.

આ પ્રસંગે સુરત ક્રાઈમ બ્રાંચ મહિલા સેલના એસીપી કે. મિની જોસેફે બાળકોને સાયબર ક્રાઇમ વિષે માહિતગાર કર્યા હતા. સાયબર ક્રાઇમના વિવિધ પ્રકારો જેવા કે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, કુરિયર કંપની ફ્રોડ, ઑનલાઇન શોપિંગ ફ્રોડ, પોલીસના નામે થતા ફ્રોડ, મોર્ફડ ફોટો વિષે માહિતી આપી સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ ટાળવા સમજાવ્યું હતું. તેમજ મોબાઇલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમમાં પેનલ એડવોકેટ દિનેશ લિંબાચીયાએ બાળકોને જિલ્લા અને ફેમિલી કોર્ટ વિષે જાણકારી આપી મહિલા સુરક્ષા માટેના દહેજ પ્રતિબંધક એક્ટ અને ઘરેલુ હિંસા જેવા કાયદાઓની સમજ આપી હતી. સાથે જ બાળ ગુન્હાઓ, જુવેનાઇલ હોમ વિષે માહિતગાર કરી  ખોટા પ્રલોભન કે લાલચમાં આવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં નહીં જોડાવા સમજાવ્યું હતું. તેમણે ૧૮ વર્ષથી નાના બાળકો પર થતા શારીરિક શોષણ વિરૂધ્ધના પોકસો એક્ટ વિષે પણ જાણકારી આપી હતી. એડવોકેટશ્રીએ સોશિયલ મીડિયાના યુગમાં બાળકોને મોબાઈલના દુષણથી દૂર રહેવા, ટેકનોલોજીનો સદુપયોગ કરવા તેમજ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂક્યો હતો. અંતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પાસેથી મળતી નિ:શુલ્ક કાનૂની જાણકારી વિષે સૌને વાકેફ કર્યા હતા.

આ પ્રસંગે માર્શલ આર્ટ ટ્રેનર જય ભગતવાલાએ ખાસ કરીને વિદ્યાર્થિનીઓ માટે સેલ્ફ ડિફેન્સ ટેકનિકનું નિદર્શન કર્યું હતું. પ્રયોગ દ્વારા તેમણે પેન, સેફ્ટી પિન, હેર પિન, બોટલ, દુપટ્ટો કે આઇ કાર્ડને હથિયાર બનાવી કરી શકાતા સ્વરક્ષણની ટેકનિક તેમજ હથિયાર વિના થતાં આત્મરક્ષણની તરકીબનો પ્રયોગ કર્યો હતો.‘નારી વંદન ઉત્સવ’ની ઉજવણી નિમિત્તે મહાનુભાવોના હસ્તે ટાઈકવાન્ડો રમતમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરી વિવિધ ખિતાબ જીતેલી શહેરની ૫ દીકરીઓનું સન્માન કરાયું હતું.આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારીશ્રી આર.એન.ગામીત, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી ડી.પી.વસાવા, ડિસ્ટ્રીક્ટ મિશન કો-ઓર્ડિનેટર(DHEW) સ્મિતા પટેલ અને ટીમ તેમજ પીબીએસસી સેન્ટરના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

error: Content is protected !!