અમદાવાદ: ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી મધ્યસ્થ જેલની મુલાકાત લઈ કેદીઓ સાથે સંવાદ કર્યો હતો. કેદીઓ પાસેથી ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ…’ ભજનનું શ્રવણ કરી તેમણે ભજનના મૂલ્યોને જીવનમાં ઉતારવા અને સંયમના માર્ગે ચાલવા અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીએ કેદીઓને ફળોનું વિતરણ કરી જેલમાં કાર્યરત કોમ્પ્યુટર, સુથારીકામ, વણાટકામ અને બુક બાઇન્ડિંગ સહિતના કૌશલ્ય વિકાસ કેન્દ્રોની મુલાકાત લીધી હતી. તેમણે કેદીઓ દ્વારા તૈયાર કરાયેલી વિવિધ વસ્તુઓની ખરીદી પણ કરી હતી. આ ઉપરાંત આઝાદીની લડત દરમિયાન સરદાર પટેલ સહિતના મહાનુભાવોએ નિવાસ કરેલા જેલના ઓરડાઓની મુલાકાત લીધી હતી.





