તાપી જિલ્લામાં યોજાનારા ગણતંત્ર દિવસની રાજ્યકક્ષાની ઉજવણીની પૂર્વસંધ્યાએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. ૨૪૦ કરોડના વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરાયું હતું.
આ સાથે તાપી જિલ્લાના વિકાસ અર્થે રૂપિયા ૨.૫૦ કરોડનો ચેક જિલ્લા કલેક્ટરશ્રીને અને રૂપિયા ૨.૫૦ કરોડનો ચેક જિલ્લા વિકાસ અધિકારીશ્રીને મુખ્યમંત્રીશ્રીએ અર્પણ કર્યો હતો.“સ્વર્ણિમ ભારત : વિરાસત ઔર વિકાસ” ની થીમ સાથે સમગ્ર ભારતવર્ષમાં પ્રજાસત્તાકની ઉજવણી થઈ રહી છે. રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણીને અનુલક્ષીને કલેક્ટર ડૉ. વિપિન ગર્ગની રાહબરી હેઠળ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ છે, ત્યારે તાપી જિલ્લામાં રૂ. ૧૨૪ કરોડના ૨૦ કામોના લોકાર્પણ અને ૧૧૫ કરોડના ૪૧ કામોના ખાતમુહુર્ત મળી કુલ રૂ. ૨૪૦ કરોડના ૬૧ કામોના ઇ-લોકાર્પણ-ખાતમુહુર્ત કરાયું હતું. જે તાપી જિલ્લાના નાગરિકોની સુખાકારી અને પ્રગતિમાં વધારો કરશે. વિગતવાર જોઇએ તો, માર્ગ અને મકાન વિભાગ, તાપી (રસ્તા), આદિજાતિ વિકાસ વિભાગ (ઉદ્દવહન સિંચાઇ, અ૨ છાત્રાલય તથા ૧ હાટ બજાર), પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ-તાપી, ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી-ગાંધીનગર, કામધેનુ યુનિવર્સિટી-ઉકાઇ, જિલ્લા રમત ગમત પ્રશિક્ષણ, પ્રાથમિક શિક્ષણ વિભાગ, તાપી, ઉકાઇ ડાબા કાંઠા નહેર સંશોધન વિભાગ-૨, જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દક્ષિણ ગુજરાત વીજ કં.લિના રૂ. ૨૪૦ કરોડના ૬૧ કામોનું ઇ – લોકાર્પણ-ખાતમુહુર્ત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું.