ગીર-સોમનાથમાં ગત સપ્ટેમ્બરમાં થયેલા ડિમોલીશન બાદ વિવાદ ઉભો થયો છે, મુસ્લિમ સંગઠને તંત્રના બુલડોઝર એક્શન વિરુદ્ધ સુપ્રીમકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન મુસ્લિમ સંગઠને દાવો કર્યો હતો કે આ જમીન તેને 1903માં આપવામાં આવી હતી. ગુજરાત સરકારે આ દાવાનો વિરોધ કર્યો હતો.
ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે આ જમીન સોમનાથ ટ્રસ્ટની છે. ટ્રસ્ટે તેને ઘણા સમય પહેલા સરકારને સોંપી દીધી છે. ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કાર્યવાહી ઘણા સમયથી ચાલી રહી હતી. અરજદાર ખોટા દાવા કરીને તેને સાંપ્રદાયિક મુદ્દો ઉઠાવી રહ્યા છે.ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને વધુમાં જણાવ્યું કે આ જમીન હાલ પૂરતી સરકાર પાસે જ રહેશે, અત્યારે જમીન કોઈ ત્રીજા પક્ષને આપવામાં નહીં આવે. આ નિવેદનને રેકોર્ડ પર લેતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલે કોઈ વચગાળાના આદેશની જરૂર નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગુજરાત હાઈકોર્ટમાં પડતર અરજીઓની સુનાવણી ચાલુ રાખવી જોઈએ.આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં સોમનાથ મંદિરની આસપાસ કથિત ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું હતું. પટણી મુસ્લિમ સમુદાયે 1લી ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ્ટની અરજી દાખલ કરી હતી. આ અરજીમાં ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે કન્ટેમ્પ્ટની કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.અરજીમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા બુલડોઝર એક્શન પર પ્રતિબંધ મૂકવાના આદેશ બાદ મોટા પાયે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.1લી ઓક્ટોબરના રોજ, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે બુલડોઝર દ્વારા ડીમોલીશન સામેની અરજીઓની સુનાવણી કરી હતી.AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ આ કાર્યવાહીની નિંદા કરી હતી અને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા.