સુરત શહેરમાં આતંક મચાવનારા સલમાન લસ્સીને ક્રાઈમ બ્રાંચે ફિલ્મી ઠબે ઝડપી પાડ્યો હતો. આરોપી નવસારીના ડાભેલ ગામમાં છુપાયો હોવાની બાતમી મળ્યા બાદ પોલીસ ત્યાં પહોંચી હતી. આ સમયે ધરપકડથી બચવા સલમાન લસ્સીએ પીઆઈ સોઢા પર ચપ્પુથી હુમલો કર્યો હતો. જેના કારણે પીઆઈએ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગતા આરોપીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ક્રાઇમ બ્રાંચના પીઆઇ કિરણ મોદી અને પીઆઇ પી. કે. સોઢાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, સુરતના ભેસ્તાનમાં 21 ઓક્ટોબરના થયેલી હત્યા અને અન્ય 15થી 17 ગુનાનો વોન્ટેડ આરોપી સલમાન લસ્સી નવસારીના ડાભેલ ગામમાં છુપાઈને રહે છે. બાતમી બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આજે સવારે 3 વાગ્યાએ ડાભેલ ગામમાં પહોંચી હતી. ક્રાઈમ બ્રાંચે સલમાન લસ્સી જે મકાનમાં છુપાયેલો હતો, તેની આસપાસના પાંચ મકાનોને ચારેબાજુથી કોર્ડન કરી દીધા, જેથી તે છત પરથી કૂદીને ભાગી ન શકે. એક ટીમ આગળના દરવાજા પર હતી, જ્યારે બીજી પાછળના ભાગે સંતાયેલી હતી. ક્રાઈમ બ્રાંચે આરોપી માટે ભાગી છૂટવાનો કોઈ રસ્તો બાકી રાખ્યો નહોતો.
સલમાન લસ્સી જે રૂમમાં છુપાયો હતો, તે રૂમ અંદરથી બંધ હતો, પરંતુ તેને ખબર પડી ગઈ કે પોલીસ તેને પકડવા આવી ગઈ છે. ક્રાઈમ બ્રાંચે તેને આત્મસમર્પણ કરવા માટે કહ્યું, પરંતુ અંદર છુપાયેલો લસ્સી બહાર આવવા તૈયાર નહોતો. મકાનના આગળના ભાગમાં તેના પરિવારજનો હતા, જ્યારે પોતે પાછળના ખૂણામાં ભરાઈને બેઠો હતો.આ દરમિયાન આરોપી સલમાન લસ્સીએ ધરપકડથી બચવા એક ખતરનાક ચાલ રમી. તેણે સૌથી પહેલા ક્રાઈમ બ્રાંચના બંને પીઆઇને ચપ્પુ બતાવ્યું હતુ. આ દરમિયાન પીઆઈ પી. કે. સોઢાને ચપ્પુ મારવાની કોશિશ કરી હતી અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિની ગંભીરતા અને જીવનું જોખમ જોતાં પીઆઈ પી. કે. સોઢાએ જવાબી કાર્યવાહીમાં અને પોતાના સ્વબચાવમાં તાત્કાલિક પોતાની સર્વિસ રિવોલ્વરથી સલમાન લસ્સીના જમણા પગ પર ગોળી ધરબી દીધી હતી. અચાનક ગોળીબારના અવાજથી સમગ્ર વિસ્તાર ગુંજી ઊઠ્યો હતો.





