નવી દિલ્હી: ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના પ્રતિબંધિત દવાઓના વેચાણ પર અંકુશ મેળવવા કેન્દ્ર સરકારે ‘ડ્રગ્સ રૂલ્સ, 1945’માં ફેરફાર કરવાની દરખાસ્ત કરી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 8 સપ્ટેમ્બર, 2026ના રોજ આ અંગે ડ્રાફ્ટ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે.
સૂચિત નિયમો મુજબ દેશભરના મેડિકલ સ્ટોર્સમાં CCTV કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. ખાસ કરીને શેડ્યૂલ H1 અને X સહિત નિયંત્રિત શ્રેણીની દવાઓના વેચાણ પર વધુ કડક નજર રાખવાનો હેતુ છે.CCTV વ્યવસ્થાથી દવાઓના વેચાણનો રેકોર્ડ ઉપલબ્ધ રહેશે અને પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓના વેચાણની તપાસમાં મદદ મળશે. આ પગલાથી એન્ટિબાયોટિક્સના દુરુપયોગ તેમજ નશાકારક અને સંવેદનશીલ દવાઓના ગેરકાયદે વેચાણ પર નિયંત્રણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.





