વલસાડના છરવાડા ગામે રહેતા યુવાને એક એપ મારફતે પાર્સલ મંગાવ્યું હતું. પાર્સલમાં મગાવ્યા મુજબની ચીજવસ્તુ નહિ મળી આવતા યુવાને પાર્સલ રિટર્ન કરવા એપ્લિકેશન મારફતે પ્રયાસ કર્યા હતા. જે પ્રયાસ નિષ્ફળ નીવડતા યુવાને તે કંપનીના હેલ્પલાઈન નંબર ઉપર સંપર્ક કર્યો હતો. જે તકનો ગેરલાભ ઉઠાવી સાઈબર ક્રાઈમ માફિયાઓએ યુવાનને એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી, યુવાનના ખાતામાંથી રૂ.૫૦,૫૦૧ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી. જે બાબતે યુવાને અજાણ્યા ભેજાબાજ સામે ડુંગરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
વલસાડના છરવાડા ગામે રહેતા હિરેનકુમાર પટેલ એક ખાનગી કંપનીમાં જુનિયર એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવે છે. એક અઠવાડિયા પહેલાં હિરેનકુમારે શોપસી નામની એપ ઉપરથી પાર્સલ મંગાવ્યું હતું. જે પાર્સલમાં હિરેનકુમારે મંગાવ્યા મુજબની ચીજવસ્તુ ન મળતાં તેમણે પાર્સલ પરત કરવા એપ મારફતે પ્રોસેસ શરૂ કરી હતી. જે પ્રોસેસ નહિ થતા, હિરેનકુમારે એ કંપનીનો હેલ્પલાઈન નંબર કોઈક પ્રકારે મેળવી તે નંબર પર કોલ કર્યો હતો. આ હેલ્પલાઈન નંબર ઉપર સક્રિય થયેલા હિન્દી ભાષી શખ્સે તેને કંપનીના અધિકારીનો કોલ આવશે તેવું જણાવી ફોન કટ કરી દીધો હતો. જે બાદ બીજા એક શખ્સે હિરેનકુમારને કોલ કરી, તેમનું પાર્સલ રિટર્ન થઈ જશે અને પાર્સલના નાણાં તેમના ખાતામાં જમા થઈ જશે તેવું જણાવી, તેમનો માણસ પાર્સલ લેવા આવી જશે તેવી ખાતરી આપી હતી.
ભેજાબાજે હિરેનકુમારને તેમના વોટ્સએપ નંબર પર એક લિંક મોકલી તે એપ્લિકેશન ડાઉનલોડ કરવા જણાવ્યું હતું. સાઈબર માફિયાઓની જાળમાં ભેરવાઈ ગયેલા હિરેનકુમારે તે એપ્લિકેશન ડાઉનલોડ પણ કરી લીધી હતી. જે બાદ હિરેનકુમારે તેમના મોબાઈલના ગૂગલ પે એપ મારફતે રૂ.૫૦,૫૦૧ની રકમનો પીન નાખવાનો પ્રયાસ કરતા તે પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. આ દરમિયાન ભેજાબાજોએ હિરેનકુમારને ફોન પે મારફતે રૂ.૫૦,૫૦૧ની રકમ ભરી પીન નાખવા જણાવ્યું હતું. પીન નાખતાની સાથે જ હિરેનકુમારના ખાતામાંથી રૂ. ૫૦,૫૦૧ ડેબિટ થઈ ગયા હતા. જે બાદ ભેજાબાજોએ હિરેનકુમારને ફરીથી રૂ.૫૦૦૦ ટ્રાન્સફર કરવાનું જણાવતા, હિરેનકુમારને શંકા થઈ હતી. જેથી હિરેનકુમારે ભેજાબાજોએ આપેલા નંબર પર કોલ કરતા તે તમામ નંબરો બંધ આવ્યા હતા. આખરે હિરેનકુમારને છેતરાયા હોવાની જાણ થતા, તેમણે રાષ્ટ્રીય સાઈબર હેલ્પલાઈનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાબતે ડુંગરી પોલીસે અજાણ્યા ભેજાબાજો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.